ઝિમ્બાબ્વેમાં 251 બાળકોને પંથની ચુંગાલમાંથી બચાવાયા

Tuesday 19th March 2024 15:20 EDT
 

હરારેઃ ઝિમ્બાબ્વેની રાજધાની હરારેથી ઉત્તરે 34 કિલોમીટરના અંતરે ફાર્મસ્થિત એક દેવળમાં 13 માર્ચ બુધવારે 250થી વધુ બાળકોને કથિત સંપ્રદાયની ચુંગાલમાંથી બચાવી લેવાયાં હોવાનું અને આ સંપ્રદાયના કહેવાતા 56 વર્ષીય ધર્મોપદેશક ઈશામાએલ ચોકુરોંગેરવા અને તેના સાત સહાયકોની ધરપકડ કરાયાનું પોલીસે જણાવ્યું છે. આ સ્થળે નોંધાયા વિનાની 16 કબરો પણ મળી આવી હતી જેમાંથી સાત કબરમાં નવજાત બાળકો પણ દફનાવાયેલાં હતાં.

ધર્મોપદેશક ચોકુરોંગેરવાનો પંથ બાળકો સહિત 1000થી વધુ સભ્યો ધરાવે છે. ફાર્મમાં બાળકો પાસે ભારે મજૂરી કરાવાતી હતી. બચાવાયેલા અને શાળાએ જવાની વયના 251 બાળકોમાંથી 246 પાસે જન્મનું સર્ટિફિકેટ ન હતું.

હેઈતીમાં કેન્યન પોલીસની ગોઠવણી મોકુફ

નાઈરોબીઃ હેઈતીના વડા પ્રધાન એરિયલ હેન્રીએ રાજીનામું આ્રપવાની જાહેરાત કર્યાના પગલે કેન્યાએ હેઈતીમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા મિશનની આગેવાની લેવા 1000 પોલીસ અધિકારીઓ ગોઠવવાનો નિર્ણય હાલ મુલતવી રાખ્યાની જાહેરાત કરી છે. કેન્યાએ જણાવ્યું હતું કે હેઈતીમાં પોલીસની ગોઠવણી માટે ત્યાં બંધારણીય સત્તાની હાજરી હોય તે જરૂરી છે. આ સંદર્ભે અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પોલીસ ગોઠવણીમાં વિલંબથી અમેરિકા ચિંતિત છે પરંતુ, કેન્યાની સરકારે જણાવ્યું છે તેમ તેમની સમજૂતીના ભાગરૂપે હેઈતીમાં સહકાર સાધવા સત્તાધારી સરકાર હોવી જરૂરી છે

ઝિમ્બાબ્વેના પ્રમુખ મનાન્ગાગ્વા સામે અમેરિકી પ્રતિબંધ

હરારેઃ અમેરિકાએ ભ્રષ્ટાચારમાં સંડોવણી અને માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનના કારણોસર ઝિમ્બાબ્વેના પ્રમુખ એમર્સન મનાન્ગાગ્વા, ફર્સ્ટ લેડી ઓક્ઝિલિઆ મનાન્ગાગ્વા, વાઈસ પ્રેસિડેન્ટ કોન્સ્ટેન્ટિનો ચિવેન્ગા અને અન્ય આઠ ઉચ્ચ અધિકારીઓ સામે પ્રતિબંધ જાહેર કર્યો છે. આ પ્રતિબંધોના પરિણામે, પ્રતિબંધિત વ્યક્તિઓની અમેરિકામાં તમામ પ્રોપર્ટીઝ તેમજ અન્ય પ્રોપર્ટીઝમાં તેમના હિતો અથવા અમેરિકી વ્યક્તિઓ હસ્તક આવી પ્રોપર્ટીના કબજા અને અંકુશને બ્લોક કરી દેવાયા છે. આ પ્રતિબંધો ઝિમ્બાબ્વે અથવા તેના નાગરિકો પર લાગુ પડશે નહિ.

પ્રમુખ એમર્સન મનાન્ગાગ્વા સામે ઝિમ્બાબ્વેમાં કાર્યરત સોના અને હીરાના સ્મગલર્સને સુરક્ષા આપવા, ગેરકાયદે બજારોમાં સોના અને હીરાનું વેચાણ કરવા દેવા તેમજ આવી ગોઠવણની સામે લાંચ લેવા સહિતના આરોપો છે. અમેરિકાએ 2022માં પ્રમુખ મનાન્ગાગ્વાના એક પુત્ર સામે પણ પ્રતિબંધ જાહેર કર્યો હતો.

ઝાંઝીબારમાં કાચબાનું માંસ ખાવાથી 9ના મોત

પેમ્બાઃ ટાન્ઝાનિયાના ઝાંઝીબાર દ્વીપસમૂહના પેમ્બા ટાપુ પર મંગળવાર 5 માર્ચે સમુદ્રી કાચબાનું માંસ ખાધા પછી આઠ બાળકો અને એક પુખ્ત વ્યક્તિનું મોત થયું હતું. શુક્રવાર 8 માર્ચે ફૂડ પોઈઝનિંગના કારણે અન્ય 78 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ઝાંઝીબારમાં સમુદ્રી કાચબાનું માંસ ખાસ પસંદગીની વાનગી છે પરંતુ, તેના કારણે ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ અવારનવાર બહાર આવતી રહે છે. એક બાળકની માતાનું શુક્રવારે મોત થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter