નૈરોબીઃ આફ્રિકાના પાટનગર નૈરોબીમાં સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામે કોરોનાના કપરા કાળમાં માનવસેવાની જ્યોત જગાવી છે. વડતાલ ધામ નૈરોબીના સ્થાપક ટ્રસ્ટી અને કે સોલ્ટના માલિક કે. કે. વરસાણીના સૌજન્યથી કોવિડ-૧૯માં ઓછા વેતન મેળવનાર આફ્રિકાના સ્થાનિક લોકોને ભોજન માટે મકાઈનો લોટ, ચોખા, કપડાં ધોવાનો (ઓમા) પાવડર અને હર્બલ સાબુ વગેરે જીવન જરૂરિયાતની વસ્તુનું વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આચાર્ચશ્રી રાકેશપ્રસાદજીના આશીર્વાદ સાથે ઓસ્ટ્રેલિયા, લંડન અને આફ્રિકામાં વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરોનું નિર્માણકાર્ય થઈ રહ્યું છે. તાજેતરમાં જ નૈરોબી મંદિરનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો છે. આ કાર્યમાં પરેશ પટેલ (મહેળાવ), કે. કે. વરસાણી (કચ્છ), પરેશ પટેલ (વડતાલ), હરજીભાઈ રાઘવાણી (કચ્છ) વગેરે જોડાયેલા છે તેમ દેવસ્વામી, નૌતમસ્વામીએ જણાવ્યું છે.