લંડનઃ અમેરિકા અને ઇઝરાયેલના ઇરાન સાથેના યુદ્ધથી સર્જાયેલા ઇંધણ સંકટનો સામનો કરવા આફ્રિકાના અનેક દેશોએ પેટ્રોલ અને વીજળીના વપરાશ પર નિયંત્રણો લાદવાના શરૂ કરી દીધાં છે.
દક્ષિણ સુદાને તેની રાજધાની જુબામાં વીજળીનું રેશનિંગ શરૂ કર્યું છે, જ્યારે મોરિશિયસએ ખાસ કરીને વધુ વીજળી વપરાશ પર પ્રતિબંધો લાગુ કર્યા છે. ઈથિઓપિયામાં સપ્લાયરોને ચોક્કસ ક્ષેત્રોને પ્રાથમિકતા આપવા આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે ઝિમ્બાબ્વે તેના પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારી રહ્યો છે. ઝિમ્બાબ્વેએ જણાવ્યું છે કે તે તેના પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 5% થી વધારીને 20% કરશે. તે ઉપરાંત ઈંધણ આયાત પરના કેટલાક ટેક્સ રદ કરવાની યોજના પણ જાહેર કરી છે, કારણ કે એક મહિનાથી ઓછા સમયમાં ઈંધણના ભાવમાં 40%નો વધારો થયો છે.
ઈથિઓપિયામાં સત્તાવાળાઓએ ઈંધણ સપ્લાય કંપનીઓને સુરક્ષા સંસ્થાઓ, મોટા સરકારી પ્રોજેક્ટ્સ, મુખ્ય ઉદ્યોગો અને આવશ્યક વસ્તુઓના ઉત્પાદનને પ્રાથમિકતા આપવા આદેશ આપ્યો છે.
કેન્યામાં લગભગ 20% પેટ્રોલ પંપો પર ઈંધણની અછત જોવા મળી રહી છે. દેશના પેટ્રોલિયમ એસોસિએશને જણાવ્યું કે લોકો દ્વારા ગભરાટમાં ખરીદી વધતા સ્ટોક ઓછો થઈ રહ્યો છે. બીજીતરફ કેન્યાના ઊર્જા મંત્રાલયે ઈંધણની અછત નકારી કાઢી વેપારીઓ પર સંગ્રહાખોરીનો આરોપ મૂક્યો છે.
કેન્યાનો ફૂલ ઉદ્યોગ પણ શિપિંગ સમસ્યાઓ અને મધ્ય પૂર્વમાં ઘટતી માંગને કારણે પ્રભાવિત થયો છે.
યુગાન્ડાએ નાગરિકોને ખાતરી આપી છે કે પૂરતું ઈંધણ ઉપલબ્ધ રહેશે અને ભાવ વધારવા સામે ચેતવણી આપી છે. દક્ષિણ આફ્રિકાએ જણાવ્યું છે કે હાલમાં પૂરતું ઈંધણ છે, પરંતુ લાંબા સમય સુધી સંઘર્ષ ચાલે તો અસર થઈ શકે છે.


