ઇરાન સામેના યુદ્ધમાં ઇઝરાયેલનો સાથ આપવા યુગાન્ડાના સૈન્ય પ્રમુખની જાહેરાત

ઈઝરાયેલને નષ્ટ કરવાની વાત આવશે તો અમે ઈઝરાયેલના પક્ષે યુદ્ધમાં સામેલ થઈશુઃ જનરલ મુહુઝી

Tuesday 07th April 2026 11:22 EDT
 
 

કમ્પાલાઃ યુગાન્ડાના સૈન્ય પ્રમુખ જનરલ મુહુઝી કૈનરુગાબાએ સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ પર સંકટ આવશે, તો યુગાન્ડાની સશસ્ત્ર સેના ઈઝરાયેલના પક્ષે યુદ્ધમાં ઉતરી શકે છે.

યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર અને સંભવિત ઉત્તરાધિકારી મનાતા જનરલ મુહુઝીએ એક્સ (X) પર ઈઝરાયેલના સમર્થનમાં અનેક પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, અમે ઈઝરાયેલની સાથે છીએ કારણ કે અમે ખ્રિસ્તી છીએ. અન્ય એક પોસ્ટમાં તેમણે યુગાન્ડાની સરખામણી બાઈબલના પાત્ર 'ડેવિડ' સાથે કરતા જણાવ્યું કે, યુગાન્ડા એવો ડેવિડ છે જેને દુનિયાએ વિસારી દીધો છે, પરંતુ અમે ગોલિયાથને પરાજિત કરીશું. જો ઈઝરાયેલને નષ્ટ કરવાની કે હરાવવાની વાત કરવામાં આવશે તો અમે ઈઝરાયેલના પક્ષે આ યુદ્ધમાં સામેલ થઈશું.

જોકે ઈરાન સીધી રીતે યુગાન્ડામાં સક્રિય નથી, પરંતુ પડોશી દેશો કેન્યા અને તાન્ઝાનિયામાં તેની શંકાસ્પદ ગતિવિધિઓ અને સ્મગલિંગ નેટવર્કને લઈને યુગાન્ડા સતર્ક છે. જમીનથી ઘેરાયેલો દેશ હોવા છતાં યુગાન્ડા હિંદ મહાસાગર અને રાતા સમુદ્રના પ્રાદેશિક જળક્ષેત્રમાં ઈરાનની વધતી જતી વ્યૂહાત્મક દખલગીરીને પોતાના હિતો માટે જોખમરૂપ માની રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter