ઇસ્ટ આફ્રિકાના દેશોમાં વરસાદી તોફાનો અને પૂરનો હાહાકાર

તાન્ઝાનિયામાં ભૂસ્ખલનમાં 20, ભીષણ પૂરના પગલે કેન્યામાં 108 અને ઇથિયોપિયામાં 80ના મોત

Tuesday 31st March 2026 10:31 EDT
 
 

તાન્ઝાનિયાઃ ઇસ્ટ આફ્રિકામાં ભારે વરસાદના કારણે ઘણા દેશોમાં વિનાશ વેરાઇ રહ્યો છે. સાઉથ તાન્ઝાનિયામાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 20 લોકોના મોત થયાં હતાં.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર મ્બેયા પિજિયનમાં બુધવારે વાવાઝોડા સાથે ભારે વરસાદ ત્રાટકતાં ઘણા ઘરો તણાઇ ગયાં હતાં. જોખમવાળા વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સલામત સ્થળોએ સ્થળાંતર કરી જવા સૂચના અપાઇ છે.

તાજેતરમાં કેન્યામાં વરસાદી તોફાનોએ ઓછામાં ઓછા 108 લોકોનો ભોગ લીધો હતો. ઓછામાં ઓછી 20 કાઉન્ટીમાં ભારે વિનાશ વેરાયો હતો. કેન્યાની નદીઓમાં ભીષણ પૂર આવ્યાં હતાં. ઇથિયોપિયામાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનોના કારણે ઓછામાં ઓછા 80 લોકોના મોત થયાં છે.

આફ્રિકાના દેશોમાં જે રીતે ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદી તોફાનો ત્રાટકી રહ્યાં છે તેણે નવી ચિંતાઓ ઉપજાવી છે. પૂર સંભવિત વિસ્તારોમાં વસતા લોકો પર જોખમ તોળાઇ રહ્યું છે. ક્લાઇમેટ એક્સપર્ટોએ ચેતવણી આપી છે કે મે મહિના સસુધી અસામાન્ય અને અતિભારે વરસાદ થવાની સંભાવના છે તેના કારણે ઇસ્ટ આફ્રિકાના ઘણા દેશો અસરગ્રસ્ત થશે.

કેન્યા, ઇથિયોપિયા અને સોમાલિયાના કેટલાક વિસ્તારોમાં ભીષણ દુકાળ

એકતરફ કેન્યાના કેટલાક પ્રદેશોમાં મુશળધાર વરસાદ અને પૂર તબાહી મચાવી રહ્યાં છે ત્યારે ઉત્તર પશ્ચિમ કેન્યામાં તુકરાના સહિતના વિસ્તારોમાં ભીષણ દુકાળના કારણે લોકો ભૂખમરાની કગાર પર પહોંચી ગયાં છે. માનવી તો ઠીક પશુઓ માટે ચારાના પણ ફાં ફાં પડી રહ્યાં છે.

નેશનલ ડ્રાફ્ટ મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર દેશમાં વરસાદ અસંતુલિત રીતે વરસી રહ્યો છે. તુકરાના જેવા પ્રદેશોમાં તો નહીંવત વરસાદ થયો છે. છેલ્લા બે વર્ષથી આ વિસ્તારોમાં વરસાદ થયો નથી. ફક્ત કેન્યા જ નહીં પરંતુ ઇસ્ટ આફ્રિકાના ઇથિયોપિયા અને સોમાલિયા પણ ભીષણ દુકાળનો સામનો કરી રહ્યાં છે અને તેના કારણે 26 મિલિયન લોકો ભૂખમરામાં ધકેલાયાં છે. તેઓ હાલ જંગલી ફળો અને કંદમૂળ ખાવા મજબૂર બન્યાં છે. આ પ્રકારના ફળો એકઠાં કરવા માટે તેમને જંગલોમાં કલાકો સુધી રઝળવું પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter