ઈથિયોપિયાના પરિવારે હજારો વૃક્ષો વાવી રણને વન બનાવ્યું

Tuesday 05th December 2023 12:21 EST
 
 

એડિસ અબાબાઃ પૃથ્વીને લીલીછમ બનાવવાની વાતો થતી રહે છે અને કોન્ફરન્સો યોજાતી રહે છે ત્યારે ઈથિયોપિયાની રાજધાની એડિસ અબાબાના કેન્દ્રમાં લોકનજરથી દૂર હરિયાળો વનપ્રદેશ લહેરાઈ રહ્યો છે જેનું સર્જન રાસ જેની નામે પ્રખ્યાત સંગીતકાર યોહાનેસ વુબેશેટ અને તેમના પરિવારે કર્યું છે. આ પરિવારમાં એમ્પ્રેસ જેરૂસાલેમ નામે જાણીતી પત્ની જેરુસાલેમ હેફ્ટેસગેડ, અઝારિયાહ (7 વર્ષ), એડ્રિયેલ (4), એઝમોન (2) અને માત્ર 6 મહિનાની બેબી એન્જેલનો સમાવેશ થાય છે.

ક્લાઈમેટ ચેન્જના કારણે હવામાન વિષમ બની રહ્યું છે ત્યારે વુબેશેટ પરિવારનો પ્રોજેક્ટ 16 વર્ષ અગાઉ શરૂ થયો હતો. એમ્પ્રેસ જેરૂસાલેમના પિતા હેફ્ટેસગેડ મેન્ગેશાએ 5000 ચોરસ મીટરના જમીનના ટુકડામાં 2000 વૃક્ષો વાવી તેને હરિયાળો બનાવ્યો હતો. હવે વુબેશેટ દંપતી તેમના બાળકોને સાથે રાખી આ કાર્ય આગલ ધપાવી રહ્યું છે. રાસ જેની કહે છે કે તેઓ જ્યાં પણ સંગીત આપવા જાય છે ત્યાં લોકોને પર્યાવરણની રક્ષા અને વૃક્ષારોપણની વાત કરે છે. તેમણે માનવજાત અને પૃથ્વી માટે વૃક્ષો કેટલાં આવશ્યક છે તેમ જણાવતા મ્યુઝિકની રચના પણ કરી છે.

શહેરી વિસ્તારોને હરિયાળા બનાવવા સ્થાનિક સત્તાવાળાઓ સાથે કાર્યરત પ્લાન્ટ સાયન્સ સ્પેશિયાલિસ્ટ ઈઝાક દેબેકો અનુસાર વૃક્ષો તાપમાન નીચું લાવી અને જમીન અને જળની સુધારણા સાથે શહેરના પર્યાવરણને સુધારવામાં મદદ કરે છે. એડિસ અબાબામાં આવો હરિયાળો વિસ્તાર હોઈ શકે તેવી તેમની ધારણા જ ન હતી. તેઓ કોઈ અલગ જ જગ્યાએ આવી ગયા હોવાનું લાગતું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter