અબુજાઃ નાઈજિરિયામાં એક દાયકા કરતાં વધુ સમય પછી ઈબોલાનો પ્રથમ કેસ નોંધાયો છે. આમ ઈબોલા રોગચાળો ઈસ્ટ આફ્રિકાથી વેસ્ટ આફ્રિકા પહોંચ્યો છે. ઈબોલા કેસ ધરાવનાર નાઈજિરિયા ચોથો દેશ બન્યો છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)થી શરૂ થયેલો ઈબોલાનો બૂંડિબૂગ્યો સ્ટ્રેઈન યુગાન્ડા અને કેન્યામાં પણ પ્રવેશ્યો હતો.
નાઈજિરિયાના પ્રથમ ઈબોલા કેસમાં યુગાન્ડાની મહિલા સંકળાયેલી છે જે 5 ઓક્ટોબરે એડિસ અબાબા થઈ નાઈજિરિયાની રાજધાની અબુજા પહોંચી હતી. મેલેરિયા જેવા લક્ષણો સાથે તેને 11 ઓક્ટોબરે અબુજાની ખાનગી૪ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તેને ઈબોલાનો ચેપ હોવાનું 19 ઓક્ટોબરે નિશ્ચિત થયું ત્યાં સુધી ઘણા દિવસો વહી ગયા હતા. તેની સાથે 12 દિવસ સંપર્કમાં આવેલા તેના સ્વિસ પતિ અને હેલ્થકેર વર્કર્સ સહિત 44 લોકોની ઓળખ કરાઈ હતી. યુગાન્ડાથી નાઈજિરિયા સુધી તેની સાથે વિમાનમાં રહેલા પેસેન્જર્સની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે DRCના આઠ પ્રાંતમાં ઈબોલાના 9500થી વધુ કેસ નોંધાયા છે અને 4300થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ચેપમુક્ત જાહેર કરાયેલા યુગાન્ડામાં 20 કેસ હતા અને હાલ કેન્યામાં આઠ કેસ જોવા મળ્યા છે.
કોંગોથી આવતા યુગાન્ડાના નાગરિકોને 21 દિવસનું ક્વોરેન્ટાઈન
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રવાસેથી પરત આવનારા યુગાન્ડાના નાગરિકોએ 21 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. યુગાન્ડા ઈબોલા રોગચાળાથી મુક્ત થયું છે, પરંતુ કેટલાક પ્રવાસીઓ યુગાન્ડા થઈને કેન્યા અને નાઈજિરિયા પહોંચ્યા પછી ઈબોલા ટેસ્ટ પોઝિટિવ જાહેર થયા હોવાથી આ સાવચેતીનું પગલું જાહેર કરાયું છે. સ્વિસ ડિપ્લોમેટની પત્ની એડિસ અબાબાથી યુગાન્ડા થઈ નાઈજિરિયા પહોંચી હતી અને ટેસ્ટ પોઝિટિવ થઈ હતી, જેની તપાસ યુગાન્ડામાં ચાલી રહી છે.


