ઈસ્ટ આફ્રિકન શહેરો જળબંબાકારઃ 40ના મોત

Tuesday 29th April 2025 15:04 EDT
 
 

નાઈરોબી, કમ્પાલાઃ એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

રવાન્ડાના કિગાલી વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી ખાનાખરાબીના પરિણામે સરકારે 728 પરિવારોનું સ્થળાંતર કરાવ્યું હતું. રવાન્ડાની મિનિસ્ટ્રી ઓફ ઈમર્જન્સી પ્રીપેડનેસ અનુસાર દેશના અલગ અલગ વિસ્તારોમાં ગત સપ્તાહે 188 મકાન, ખેતીની 88 હેક્ટર જમીન અને 6 પૂલનો નાશ થયો હતો. જ્યારે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની કિન્હાસામાં 8 એપ્રિલે જળબંબાકારની હાલતના લીધે ઓછામાં ઓછાં 33 લોકોના મોત નીપજ્યાના અહેવાલો હતા.

કેન્યાના નાઈરોબીમાં ગત સપ્તાહમાં ઓછામાં ઓછાં 9 અને યુગાન્ડાના કમ્પાલામાં 7લોકોના મોત નીપજ્યા હતા. નાઈરોબીના ગવર્નર જ્હોન્સન સાકાજાએ સ્વીકાર્યું હતું કે રાજધાની નાઈરોબી ખરાબ અને અણઘડ ડ્રેનેજ આયોજનના કારણે પૂરનો સામનો કરવા માટે તૈયાર નથી. નાઈરોબીના મુકુરુ ક્વા રુબેન વિસ્તારમાં 500થી વધુ રહેવાસીઓનું સ્થળાંતર કરાવવું પડ્યું હતું.




to the free, weekly Gujarat Samachar email newsletter