ઉપદેશક પોલ મેકેન્ઝી 190 બાળકોની હત્યા માટે ગુનેગાર ઠરાવાયો

Wednesday 28th October 2026 09:09 EDT
 
 

મોમ્બાસાઃ વિશ્વની સૌથી ખરાબ સંપ્રદાય સંબંધિત કરૂણાંતિકાઓમાં એકમાં 190 બાળકો અને એક પુખ્ત વ્યક્તિની હત્યા મુદ્દે કેન્યાની મોમ્બાસા હાઈ કોર્ટે ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના ઉપદેશક સ્થાપક પોલ મેકેન્ઝી અને અન્ય 28 લોકોને ગુનેગાર ઠરાવ્યા હતા. તેમને 6 નવેમ્બરે સજા જાહેર કરાશે.

પોલ મેકેન્ઝી અને તેના ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચ દ્વારા ક્રિશ્ચિયન ડૂમ્સડે સેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે પોતાના અનુયાયીઓ અને તેમના બાળકોને વિશ્વનો અંત આવે તે પહેલા ભૂખ્યા રહી સ્વર્ગે જવાનો આદેશ આપ્યો હતો. પોલીસને માહિતી મળવાથી 2023માં તેની ધરપકડ કરાઈ હતી અને દક્ષિણપૂર્વ કેન્યાના તટપ્રદેશ નજીક શાકાહોલા ફોરેસ્ટમાં સામૂહિક કબરોમાંથી મૃતદેહો કાઢવાની શરૂઆત થઈ હતી. શાકાહોલા ફોરેસ્ટમાંથી 400થી વધુ મૃતદેહો બહાર કઢાયા હતા. મોટા ભાગના બાળકોનાં મૃતદેહ ખવાયેલી હાલતમાં હતાં અને માત્ર 28ની ઓળખ કરી શકાઈ હતી. આ કેસથી કેન્યામાં ભારે સનસનાટી મચી હતી. મેકેન્ઝી 2017થી સત્તાવાળાઓની નજરમાં હોવાં છતાં તે કેવી રીતે કામ કરતો રહ્યો તેવા સવાલો ઉઠ્યા હતા. સત્તાવાળાઓએ 2019માં ચર્ચ બંધ કરાવ્યા પછી મેકેન્ઝી શાકાહોલા ફોરેસ્ટમાં રહેતો હતો.

મેકેન્ઝીએ હત્યાના આરોપો નકાર્યા હતા અને તેણે વિક્ટિમ્સને ભૂખ્યા રહેવાની ફરજ પાડી નહિ હોવાની દલીલ કરી હતી. જોકે, કોર્ટે તેનો બચાવ ફગાવી દીધો હતો. આઠ કલાકથી વધુ ચાલેલી સુનાવણીમાં જસ્ટિસ ડાયેના કાવેઝ્ડા મોચાચેએ જણાવ્યું હતું કે કેટલાક બાળકોને અલગ રખાયા હતા અને તેમના પેરન્ટ્સની નજર સામે ખોરાકથી વંચિત રખાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter