એક અબજ ડોલર અને પત્ની તરીકે સૌથી સુંદર મહિલા આપોઃ યુગાન્ડા આર્મી ચીફ

શરતો પૂરી ન થાય તો તુર્કીયે સાથેના રાજદ્વારી સંબંધ તોડી નાખવાની ધમકી

Tuesday 14th April 2026 11:04 EDT
 
 

કમ્પાલાઃ  યુગાન્ડાના સુરક્ષા દળોના પ્રમુખ જનરલ મુહુઝી કાઈનેરુગાબાએ તુર્કીયેને વિવાદાસ્પદ અને વિચિત્ર અલ્ટીમેટમ આપ્યું છે. પ્રમુખ યોવેરી મુસેવીના પુત્ર જનરલ કાઈનેરુગાબાએ તુર્કીયે સમક્ષ 30 દિવસની અંદર સિક્યોરિટી ડિવિડન્ડ તરીકે એક અબજ ડોલર અને તેના દેશની સૌથી સુંદર મહિલા સાથે લગ્ન કરાવવાની માગણી કરી છે. આ શરતો પૂરી નહીં કરાય તો તુર્કીયે સાથે રાજકીય સંબંધો તોડવાની ધમકી આપી છે.
યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીના પુત્ર અને ડિફેન્સ ફોર્સના પ્રમુખ મુહુઝી કાઈનેરુગાબાએ દાવો કર્યો કે પ્રાદેશિક સુરક્ષાના પ્રયાસોમાં યુગાન્ડાના યોગદાનને સ્વીકારાયું નથી.  કાઈનેરુગાબાએ આ માટે નાણાકીય વળતરની માગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તુર્કીયે પર સોમાલિયામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોર્ટ સંબંધી સોદામાંથી ફાયદો ઉઠાવવાનો આક્ષેપ કર્યો હતો.
યુગાન્ડાના સૈનિકો લગભગ બે દાયકાથી અલ-શબાબ આતંકીઓ વિરુદ્ધ લડયા હતા જ્યારે તુર્કીયે પાછળથી આવીને આર્થિક લાભ ઊઠાવી રહ્યું છે. તુર્કીયેએ સૈન્ય હસ્તક્ષેપના વળતરના રૂપમાં યુગાન્ડાને એક અબજ ડોલર આપવા જોઈએ.
જનરલ કાઈનેરુગાબાએ કહ્યું કે, તેઓ તુર્કીયે સાથે સંઘર્ષ કરવા માગતા નથી, પરંતુ અમારી સામે તેમનું કોઈ અસ્તિત્વ નહીં બચે. તેમણે ચેતવણી આપી કે 30 દિવસની અંદર આ માગણી પૂરી નહીં થાય તો રાજધાની કમ્પાલામાં તુર્કીયેનું દૂતાવાસ બંધ કરી દેવાશે અને તેની સાથેના રાજકીય સંબંધો મર્યાદિત કરી દેવાશે.
અન્ય એક પોસ્ટમાં જનરલે લખ્યું કે, વાસ્તવિક સમસ્યા તુર્કીયે છે. અમે તેમના સુધરવાની પ્રતિક્ષા કરી, પરંતુ કશું થયું નહીં. તેઓ અમારી સમસ્યાઓનું સમાધાન નહીં લાવે તો અમે તુર્કીયે સાથે રાજકીય સંબંધો સમાપ્ત કરી દેવાશે. તેમના માટે આ સોદો ખૂબ જ સરળ છે. નાણાકીય વળતર ચૂકવો અથવા દૂતાવાસ બંધ કરી દેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter