કમ્પાલાઃ પ્રમુખ મુસેવેનીએ એન્ટેબી મ્યુનિસિપલ ચૂંટણી વિવાદમાં દખલગીરી કરતાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યાં હતા. તેમાં સ્પેશિયલ ફોર્સ કમાન્ડ (SFC)ના સૈનિકોએ ગોળીબાર કરતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. વાકિસો અને એન્ટેબી ટાઉનમાં સુરક્ષા દળોની વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર વિન્સેન્ટ કાયાંજા ડીપોલ અને એનએમના હોદ્દેદાર માઈકલ મુતેબીના ટેકેદારો સાથે અથડામણ થઈ હતી.
વાકિસોના ડિસ્ટ્રિક્ટ ચૂંટણી અધિકારીએ અપક્ષ ઉમેદવાર ફેબ્રિસ રૂલિન્ડાને એન્ટેબી મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા મેયર જાહેર કર્યા તે પછી થયેલી અથડામણમાં SFCના સૈનિકોએ કરેલા ગોળીબારમાં કિતુબુલુ કતાબીના NRMના ચેરપર્સન એરિક ક્યેયુન ઠાર માર્યા ગયા હતા. આ ગોળીબારમાં ઈજા પામેલા બે અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બંને ઉમેદવારોના સમર્થકોને કશુંક ખોટું થયું હોવાનું જણાતા તેઓ તેમના હિતોનું રક્ષણ કરવા વોટ ટેલી સેન્ટર ખાતે એકત્ર થયા હતા. વિપક્ષ અને શાસક પક્ષ એમ બંનેના ટેકેદારોએ ભાગ્યે જ જોવા મળતી એકતા દર્શાવીને ખોટા વિજેતાની જાહેરાત થઈ હોવા અંગે વિરોધ કર્યો હતો.
વાકિસો ડિસ્ટ્રિક્ટના NRM ના ચેર પર્સન જેસિકા અન્કુન્ડાએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં ગેરરીતિ માટે જવાબદાર અધિકારીઓ પર કામગીરી કરવામાં આવશે. એન્ટેબીના વર્તમાન મેયર કાયન્જાએ મીડિયાને જણાવ્યું હતું કે કે ચૂંટણી પંચ દ્વારા રૂલિન્ડાને વિજેતા જાહેર કરાયા તે ધોળે દા'ડે ચૂંટણીમાં ગેરરીતિ હતી.
ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો મુજબ રૂલિન્ડાને ૬૭૦૩ જ્યારે બીજા ક્રમે NRMના મુતેબીને ૬૩૪૫ મત અને ત્રીજા ક્રમે ડેમોક્રેટિક પાર્ટીના વિન્સેન્ટ કાયન્જાને ૫૫૭૬ મત મળ્યા હતા.