ઓબામાએ કેન્યામાં વેપારની સમૃદ્ધિના દ્વાર ખોલ્યા

Tuesday 28th July 2015 14:48 EDT
 
 

નાઇરોબીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમવાર વખત તેમના પૈતૃક ભૂમિ કેન્યાની મુલાકાત લઇને ગૌરવ અનુભવી રહ્યા છે. તેમના પિતા અહિંના વતની હતા. ઓબામાની આ મુલાકાત માત્ર તેમના પરિજનોને જ નહીં પરંતુ સ્થાનિક ઉદ્યોગસાહસિકો, હોટેલિયર્સ, બિઝનેસમેન, ટુર ઓપરેટર, બીચ ટ્રેડર્સને આવકારવા માટેની પણ છે. ઓબામાએ ગ્લોબલ એન્ટરપ્રીન્યોરશિપ સમિટમાં અહીંના બિઝનેસમેન માટે સમૃદ્ધિના જે દ્વારા ખોલ્યા છે તેનાથી બધામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓબામાએ કેન્યાના આર્થિક વિકાસ માટે નડતરરૂપ ભ્રષ્ટાચાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઓબામા તેમના પૈતૃક ઓરમાન દાદી સારા અને ઓરમાન બહેલ ઔમાને મળ્યા હતા. ઓબામાએ સ્થાનિક દરેક યુવાનોની અંદર એક અનોખી ક્ષમતા છે તેવો ભાવ જગાડ્યો હતો. તેમણે કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાને ભ્રષ્ટાચાર નાથવા માટે સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ ફક્ત કેન્યામાં જ નથી, પરંતુ આ એક સંવેદનશીલ મુદ્દો છે જે, દેશને કોરી ખાય છે. અને દેશને જે સિદ્ધ કરવાનું છે તેનાથી તેને દૂર રાખે છે. મોટી સંખ્યામાં બ્રિટિશ ઇન્ડિયન લોકો માટે કેન્યા એક ઘર રહ્યું છે. અત્યારે પણ કેન્યામાં રહેતા ભારતીયો આ દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. બધાની નજર ઓબામાએ આપેલા વચન પર છે. તેમણે સ્થાનિક વેપારના વિકાસની અને અમેરિકા-કેન્યા વચ્ચે રોકાણની નીતિની વાત કહી છે. તેમણે અહિના લોકોને કેન્યાની વિચારધારા મુજબ એકબીજાને મદદ કરવા પર ભાર મૂક્યો છે અને કેન્યાને નજીકના ભાગીદાર ગણવાની ખાતરી આપી છે. ઓબામાએ આફ્રિકન સમાજને અસરકર્તા એવા પત્ની પરના અત્યાચાર, કન્યા શિક્ષણમાં ખામી જેવા મુદ્દા ઉછાળીને તેને દેશના વિકાસ માટે અડચણરૂપ ગણાવ્યા હતા. અમેરિકન પ્રમુખે ઇસ્લામિક આતંકી જૂથ અલ-શબાબને નાથવા માટે મદદ કરવાનું વચન આપ્યું હતું. ઇથોપિયાની મુલાકાત દરમિયાન ઓબામાએ ઇસ્લામિક આતંકવાદ સામેની લડાઇમાં ઇથોપિયાને એક મહત્ત્વનો ભાગીદાર દેશ ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આફ્રિકાની એક અઠવાડિયાની તેમની મુલાકાત દરમિયાન ઓબામા ત્રણ મહત્ત્વપૂર્ણ દેશોની મુલાકાત લેશે. 23 જુલાઇએ તેઓ નાઇરોબી રવાના થયા હતા. અહીં તેમણે ઇથિયોપિયામાં અદિસ અબાબાની ઉત્તરે આવેલા ગ્રેટ રિફ્ટ ખીણ પ્રદેશનું નીરિક્ષણ કર્યું હતું. અમેરિકાના પ્રથમ આફ્રિકન અમેરિકન રાષ્ટ્રપતિ અગાઉ ચાર વખત તેમના પૈતૃક વતનની મુલાકાત લઈ ચૂક્યા છે. પરંતુ વ્હાઇટ હાઉસમાં કાર્યભાર સંભાળ્યા પછી પ્રથમવાર તેઓ નાઇરોબી નજીકના તેમના પૈતૃક ગામ કોગેલોની મુલાકાતે છે. ત્યાંના લોકોમાં ઓબામાની મુલાકાતનો વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. કોગેલોમાં જ ઓબામાના પિતાને દફન કરાયા છે. તેમની દાદી સારા અહીં જ રહે છે. તેઓ તેમના દાદાની ત્રીજી પત્ની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter