નાઈરોબીઃ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમીક્રોનના સંક્રમણના ભયને જોતાં રવાન્ડાએ તેની ફ્લાઈટ્સની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે જ્યારે આ પ્રદેશના તમામ દેશોએ સતર્કતા વધારી દીધી હતી. પરિસ્થિતિને જોતાં કેન્યાની સરકાર પણ પગલાં લેવાની તૈયારી કરી રહી છે અને તહેવારોની સીઝન પહેલા નવા નિયંત્રણો અમલમાં આવશે તેમ કેન્યાવાસીઓ માને છે.ટાન્ઝાનિયાએ પણ નાગરિકોને તકેદારીના પગલાં લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.
કેન્યાના હેલ્થ કેબિનેટ સેક્રેટરી મુતાહી કાગ્વેએ જણાવ્યું હતું કે પરિસ્થિતિની ચર્ચા કરવા અને વાઈરસને નિયંત્રણમાં રાખવાના પગલાં નક્કી કરવા નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ કમિટી (NERC)ની તાકીદની બેઠક બોલાવાઈ હતી.
કાગ્વેએ સંપૂર્ણ લોકડાઉન જેવા પગલાંની શક્યતા નકારી કાઢી હતી. જોકે, અલગથી જાહેર સ્વાસ્થ્ય પગલાં લાગૂ નહીં કરાય તેવી ચોક્કસ ખાતરી આપી ન હતી. કેન્યાનું આયોજન ક્રિસમસ સુધીમાં ૧૦ મિલિયન લોકોને અને આગામી જૂનના અંત સુધીમાં ૨૭.૨ મિલિયન વયસ્કોને સંપૂર્ણ વેકિસનેટ કરવાનું છે. અત્યાર સુધીમાં કુલ વસતિના ૯.૮ ટકા એટલે કે ૨.૬૫ મિલિયન લોકોને સંપૂર્ણ વેક્સિનેટ કરાયા છે.
રવાન્ડાના પ્રાઈમરી હેલ્થ સ્ટેટ મિનિસ્ટર ડો. થેરસીસે મ્પુન્ગાએ જણાવ્યું કે નવા વેરિઅન્ટે આફ્રિકન દેશોને વેક્સિનના તાકીદે ઉત્પાદનની જરૂર દર્શાવી છે. રવાન્ડાએ જર્મનીમાં કન્ટેઈનરાઈઝ્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટના નિર્માણ માટે BioNTech સાથે કરાર કર્યા છે. પાછળથી આ યુનિટની સ્થાપના રવાન્ડામાં કરાશે. રવાન્ડાએ ૩.૫ મિલિયન લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન અને ૧૨ - ૧૭ની વયના બાળકો સહિત પાંચ મિલિયન કરતાં વધુ લોકોને પહેલો ડોઝ આપ્યા પછી તાજેતરમાં વૃદ્ધો અને હોસ્પિટલ સ્ટાફને બુસ્ટર શોટ આપવાનું શરૂ કર્યું છે.
ટાન્ઝાનિયાના ચીફ મેડિકલ ઓફિસર ડો. ઐફેલો સીચાલ્વેએ નવા વેરિઅન્ટને લીધે કોવિડ – ૧૯ સામેની લડાઈમાં પીછેહઠના જોખમને જોતાં કોરોનાની સંભવિત
ચોથી લહેર સામે તકેદારી વધારવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે હેલ્થ મિનિસ્ટ્રી એરપોર્ટ્સ, બંદરો અને તમામ બોર્ડર પોઈન્ટ્સ પર દેખરેખ રાખશે અને તમામ મુસાફરોનું ટેસ્ટીંગ કરશે. સંભવિત ચોથી લહેરની ચેતવણી હોવા છતાં ટાન્ઝાનિયામાં વસતિના માત્ર ૨.૭ ટકાને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે.