કેન્યન કંપનીની કમાલઃ પાઈનેપલના કચરામાંથી કાપડ અને પગરખાં

Tuesday 05th March 2024 13:08 EST
 
 

નાઈરોબીઃ સમગ્ર વિશ્વમાં ફેશન ઈન્ડસ્ટ્રી ઈકો ફ્રેન્ડલી સામગ્રીને અપનાવી રહી છે ત્યારે કેન્યામાં સોશિયલ બિઝનેસ સાહસ કંપની ‘પાઈન કાઝી’એ પાઈનેપલના પાંદડા, મૂળિયાં અને કચરાને પગરખાં, બેગ્સ અને કાપડમાં ફેરવવાનો નવતર પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

ભૂતકાળમાં પાઈનેપલના કચરાને બાળી નખાતો હતો અથવા તેના પાતળાં મૂળિયાને ફરીથી વાવવામાં આવતાં હતા. હવે ખેડૂતો પ્રતિ મૂળિયાને 15 કેન્યન શિલિંગ (0.092 યુએસ ડોલર)ની કિંમતે વેચે છે. આના પરિણામે, ખેડૂતોને વધારાની આવક મળે છે તેમજ પાંદડા અને મૂળિયાને અલગ કરવા માટે માણસોને રોજગારી પણ મળે છે. મૂળિયાના રેષાં સૂકાઈ ગયાં પછી તેને કાપડ બનાવવા માટે વણાય છે. અગાઉ પણ પાઈનેપલના રેષાંનો ઉપયોગ થતો હતો પરંતુ, સસ્તાં કોટન અને સિન્થેટિક્સનો વપરાશ વધતા તે હરીફાઈમાં ટકી શક્યા નહિ.

‘પાઈન કાઝી’નામ સહસ્થાપક અને સીઈઓ ઓલિવિઆ ઓવુરના કહેવા મુજબ પાઈનેપલનો પાક ઉતારી લેવાયા પછી વર્ષે આશરે 766 મિલિયન ટન પાંદડા એકઠાં થાય છે અને તેમને બાળી અથવા રાસાયણિક રીતે સડાવી દેવાતા હતા. હવે પ્રતિ 1000 ટન કચરાના ઉપયોગથી 0.28 મેટ્રિક ટન કાર્બન અને મિથેન એમિશન્સનો ઘટાડો કરવામાં આવે છે. કેન્યા સરળતાથી પ્રાપ્ય અને સસ્તાં હજારો ટન સેકન્ડ હેન્ડ પોલીએસ્ટર વસ્ત્રોની દર વર્ષે આયાત કરે છે. આ વસ્ત્રો છેવટે જમીન પૂરાણ અને જળાશયોમાં પહોંચી જાય છે અને ઈકોસિસ્ટમને નુકસાન કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter