નાઈરોબીઃ કેન્યામાં લોકપ્રિય અને ‘સુપર ટસ્કર તરીકે ઓળખાતા 54 વર્ષીય હાથી ક્રેગ’નું શનિવાર 3 જાન્યુઆરીએ મોત થવા સાથે કેન્યાવાસીઓ તેનો શોક મનાવી રહ્યા છે. સધર્ન કેન્યાસ્થિત આમ્બોસેલી નેશનલ પાર્કમાં સફારી પર્યટકો માટે ક્રેગ તેના જમીનને અડતા અને લીસોટા પાડતા લાંબા દંતશૂળ માટે પ્રખ્યાત હતો. તેના દંતશૂળનું વજન જ 45-45 કિલોગ્રામથી વધુ હતું.
તે ઘણો શાંત હતો અને પર્યટકોને તેનું ફિલ્માંકન પણ શાંતિથી કરવા દેતો હતો. જાણીતી બિયર ઉત્પાદક કંપની ઈસ્ટ આફ્રિકન બ્રુઅરીઝ દ્વારા 2021માં ક્રેગને તેની લોકપ્રિય ‘ટસ્કર’ બ્રાન્ડ માટે એડોપ્ટ કરાયો હતો. કેન્યામાં હાથીની વસ્તી 2021માં 36,280 હતી જે 2025માં વધીને 42,072 થઈ છે. આ બાબત કેન્યામાં હાથીદાંત માટે હાથીઓની ગેરકાયદે હત્યા અને વેપાર સામે હાથીઓની સુરક્ષા વિશે સફળતા દર્શાવે છે.


