દાર-એ-સલામ, નાઈરોબીઃ કેન્યા અને ટાન્ઝાનિયાની લેબોરેટરીઝમાં ટ્યુબરક્લોસીસ (ટીબી) રોગના કેસને શોધવા આફ્રિકન ઊંદરની મદદ લેવાય છે જેઓ સુંઘીને જ જીવલેણ રોગના કેસ શોધે છે. આ પ્રકારના ઊંદરો ભોંયસુરંગ-લેન્ડમાઈન્સ શોધવા માટે પણ જાણીતા છે. ટાન્ઝાનિયામાં બેલ્જિયન નોન-પ્રોફિટ સંસ્થાના APOPO પ્રોજેક્ટમાં વિજ્ઞાનીઓ વિશાળકાય આફ્રિકન ઊંદરોનો ઉપયોગ કરી રહ્યા છે.
APOPO પ્રોજેક્ટમાં 2016માં લેબોરેટરીમા ટીબી માટે સ્મીઅર માઈક્રોસ્કોપી, બેક્ટેરિયા કલ્ચર ટેસ્ટ તેમજ ટ્યુબરક્લોસીસ માટે રેપિડ ટેસ્ટ જીનએક્સપર્ટ- Genexpert સહિતના પરીક્ષણોની સ્ટાન્ડર્ડ પદ્ધતિઓની સરખામણીએ ઊંદરો દ્વારા કરાતી પરીક્ષાની ચોકસાઈ ચકાસવામાં આવી હતી. APOPO ખાતે TB માટેના પ્રોગ્રામ મેનેજર જોસેફ સોકાના જણાવ્યા મુજબ માઈક્રોસ્કોપ અને અન્ય ટેસ્ટ્સની સરખામણીએ ઊંદરોમાં સેન્સિટિવિટી ઘણી ઊંચી હોય છે અને તેમાં પેશન્ટના સેમ્પલમાં HIV સ્ટેટસ હોય તો પણ કેઈ વાંધો આવતો નથી. HIV સાથેના ટીબી પેશન્ટ્સનું નિદાન સ્ટાન્ડર્ડ પદ્ધતિના પરીક્ષણો થકી કરવાનું મુશ્કેલ હોય છે.
APOPO પ્રોજેક્ટનો પ્રોગ્રામ 2008માં શરૂ કરાયા પછી લેન્ડમાઈન્સને શોધવાની તાલીમ ઊંદરોને આપવામાં આવતી હતી પરંતુ, ટીબી શોધવા માટેની તાલીમ નવું જ ક્ષેત્ર હતું. આજે ટાન્ઝાનિયાની રાજધાની દાર-એ-સલામના 21 મેડિકલ સેન્ટરમાં આફ્રિકન ઊંદરોની સેવા લેવાય છે. પેથોલોજિસ્ટ્સ લાન્સેટ કેન્યા ખાતે વેટરનરી પેથોલોજિસ્ટ ધવલ શાહના જણાવ્યા મુજબ ઘણા વિકાસશીલ દેશોમાં પેશન્ટ્સના ગળફાને માઈક્રેસ્કોપ હેઠળ તપાસવાની પુરાણી પદ્ધતિઓએ હજુ ઉપયોગમાં લેવાય છે. ઊંદરો દ્વારા ચકાસણી આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી શકે છે. ઊંદરો માત્ર બે કલાકમાં 50 સેમ્પલ સુધીનું પરીક્ષણ પૂર્ણ કરી શકે છે. મોઝામ્બિકના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ઊંદરો દ્વારા પરીક્ષણ આદર્શ બની રહે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર 2021માં HIV સાથેના 187 000 સહિત 1.6 મિલિયન લોકોએ ટીબીના કારણે જાન ગુમાવ્યો હતો. WHO નો અંદાજ જણાવે છે કે 2018માં મોઝામ્બિકમાં 162,000 લોકો (પ્રતિ 100,000 લોકોમાં 551 કેસ)ને ટીબીનો ચેપ લાગ્યો હતો. વિશ્વમાં આ રોગ મોતનું 13મું સૌથી મોટું કારણ છે અને કોવિડ-19 પછી બીજા ક્રમનો ચેપી હત્યારો રોગ છે.