નાઈરોબીઃ એક અતિ મહત્ત્વના ચૂકાદામાં કેન્યાની હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે ૨૦૦૭ - ૨૦૦૮ની ચૂંટણી પછી થયેલા જાતીય ગુનાઓની તપાસ અને અદાલતી કાર્યવાહી કરવામાં કેન્યાની સરકાર નિષ્ફળ રહી હતી. કોર્ટે ચાર અરજદારોને નાણાંકીય વળતર જારી કર્યું હતું. ૨૦૧૬ના હ્યુમન રાઈટ્સ વોચ રિપોર્ટમાં દુષ્કર્મની બચી ગયેલી ૧૬૩ મહિલા અને ૯ પુરુષોના કેસોની નોંધ કરી હતી.
હુમલાખોરોમાં મિલિશિયા ગ્રૂપના સભ્યો, હ્યુમેનિટેરીયન વર્કર્સ અને કેન્યાના સિક્યુરિટી ફોર્સના જવાનો સામેલ હતા. બચી ગયેલા લોકોએ તેમના પર દુષ્કર્મ, સામૂહિક દુષ્કર્મ અને બંદૂકો, સ્ટીક્સ તથા બોટલો અને અન્ય વસ્તુઓ દ્વારા દુષ્કર્મ આચરાયું હોવાનું તેમજ નિર્દયતાપૂર્વક માર પણ મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. કેન્યન સત્તાવાળા દુષ્કર્મના પીડિતોની અવગણના કરવા સાથે તેમને સહાય કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ગુનામાં માત્ર મૂઠ્ઠીભર વ્યક્તિઓને દોષી ઠરાવાયા હતા.
૨૦૧૪માં પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ ૨૦૦૭ની રાજકીય હિંસાના પીડિતો સહિત ભૂતકાળમાં અન્યાયનો ભોગ બનેલા લોકોને મદદ માટે ફંડની રચનાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પરંતુ, તેમાં ચૂંટણી પછીની હિંસામાં બચેલા દુષ્કર્મ પીડિતોને કોઈ લાભ થયો ન હતો. હ્યુમન રાઈટ્સ વોચના સિનિયર વિમેન્સ રાઈટ્સ રિસર્ચર એગ્નીસ ઓઢિઆમ્બોએ જણાવ્યું હતું ,‘હાઈકોર્ટનો આ ચુકાદો હજારો મહિલાઓ અને છોકરીઓ તેમજ પુરુષો અને છોકરાઓ માટે જીત છે. તેઓ ઘણાં વર્ષોથી તેમને થયેલા નુક્સાન વિશે કેન્યન સત્તાવાળાઓને વાકેફ કરવા અને તેનું નિવારણ કરે તેવું ઈચ્છતા હતા. કેન્યન સરકાર આ કેસમાં ચુકાદાનું સંપૂર્ણપણે પાલન કરે અને આ ઘટનાની બચેલી અન્ય વ્યક્તિઓને મેડિકલ કેર, નાણાંકીય વળતર અને અન્ય સહાય આપે.’