કેન્યાના ગુલાબ ઘેટાંનો ખોરાક બન્યાં

Tuesday 26th May 2026 13:30 EDT
 

નાઈરોબીઃ ઈરાન યુદ્ધના કારણે કેન્યાના ઘેટાંને ગુલાબનો સુગંધિત ખોરાક મળી રહ્યો છે. માઉન્ટ કેન્યાના ઢોળાવો પર ગુલાબની મોટા પાયે ખેતી થાય છે. એક સમયે દુબઈ, રિયાધ, તહેરાન અને દોહા જેવા સ્થળોએ નિકાસ કરાતા ગુલાબ હવે ઘેટાંને ખવડાવી દેવાય છે કારણકે માગમાં ઘટાડો થયો છે અને શિપિંગ ખોરવાઈ ગયા છે. તાજા શાકભાજીની નિકાસને પ્રાથમિકતા અપાતી હોવાથી ફૂલોના વેપારીઓ માટે બિઝનેસ લગભગ અશક્ય થઈ ગયો છે.

ગલ્ફના શહેરોમાં ખાલી થયેલી હોટેલ્સે ઓર્ડર્સ કેન્સલ કર્યા છે તેમજ મોટા ગ્રાહકો હતા તેવા ઘણા વસાહતીઓ પણ સ્વદેશ રવાના થઈ ગયા છે. નકુરુ નજીક 60 હેક્ટરના ફાર્મમાં ગુલાબની ખેતી કરતા એનગારી માહિહુની તો માઠી દશા બેઠી છે. તેનું કહેવું છે કે ‘મારા ઘેટાં વાછૂટ કરે છે ત્યારે તેમાં ગુલાબની ગંધ આવે છે.’ હોર્મુઝની ખાડી બંધ થવાથી તેની અડધોઅડધથી વધુ નિકાસ બંધ થઈ છે. રશિયા, યુકે અને ઓસ્ટ્રેલિયાના બજારોમાં થોડી ઘણી નિકાસ ચાલે છે.

આવી જ હાલત કેન્યાના ચાના વેપારીઓ અને તાજા સામાનના ઉત્પાદકોની છે. મિડલ ઈસ્ટ યુદ્ધની અસરો તેમને પણ નડી રહી છે. તાજી અને બગડી જાય તેવી વસ્તુઓ વેચાતી નથી અથવા ગોડાઉન્સમાં સડી જાય છે. કેન્યા કટ ફ્લાવર્સ માટે વિશ્વમાં ચોથા ક્રમનો ઉત્પાદક દેશ છે તેમજ બ્લેક ટીનો સૌથી મોટો નિકાસકાર દેશ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter