નાઈરોબીઃ / કમ્પાલાઃ યુગાન્ડાના સૌથી કઠોર સમલૈંગિકતાવિરોધી કાયદાથી નાસીને પડોશી કેન્યામાં આશરો લઈ રહેલા યુગાન્ડન સમલિંગીઓને હવે કેન્યાના નવા ફેમિલી પ્રોટેક્શન બિલથી તેમના અધિકારો જોખમમાં મૂકાવાનો ભય લાગી રહ્યો છે. ફેમિલી પ્રોટેક્શન બિલમાં રાજ્યાશ્રય ઈચ્છનારાઓ માટે નૈતિકતા જોગવાઈ સામેલ છે, જેના કારણે લૈંગિક ઓળખ અથવા જાતિય વલણના આધારે અત્યાચારોનો ભોગ બનવાથી નાસી છૂટનારા સમલિંગીઓને સીધી અસર થશે.કેન્યામાં LGBTIQ+ પ્રોફાઈલ સહિત રાજ્યાશ્રય માગનારાની સંખ્યા 225,000થી વધુ છે જેમનો નિર્વાસિત દરજ્જો નિર્ધારિત કરાયો નથી.
યુગાન્ડામાં મે 2023માં સજાતિયતાવિરોધી કાયદા પસાર થયાના થોડા સમય પછી કેન્યાના સાંસદ પીટર કાલુમાની રાહબરીમાં પડોશી દેશના જ માર્ગે આગળ વધી ફેમિલી પ્રોટેક્શન બિલ દાખલ કરાયું છે. સાંસદ કાલુમા હોમોસેક્સ્યુઆલિટીને શેતાન ગણાવવા માટે ખ્યાતનામ છે. જો આ બિલ પસાર કરાય તો આંતરિક હોમોફોબિયાનું વાતાવરણ સર્જાશે અને દેશના લોકોને સાવચેતીની પરિસ્થિતિમાં મૂકાશે.
હાલ સાઉથ આફ્રિકા અને કેન્યા જ આફ્રિકન દેશ છે જેઓ LGBTQ+ એસાઈલમ ક્લેઈમ્સને સત્તાવાર માન્યતા આપે છે. સ્વતંત્ર ઈન્ટરનેશનલ મીડિયા પ્લેટફોર્મ ઓપન ડેમોક્રસીના ઈન્વેસ્ટિગેશન અનુસાર યુએસસ્થિત ક્રિશ્ચિયન સંગઠનોએ 2007થી 2018ના ગાળામાં સબ-સહારન આફ્રિકામાં LGBTQ+વિરોધી અને ગર્ભપાતવિરોધી એજન્ડા આગળ વધારવા 54 મિલિયન ડોલરથી વધુ રકમ ખર્ચી હતી.
યુગાન્ડા અને કેન્યાના બિલો સજાતીય સંબંધો તેમજ સજાતિયતાના પ્રચારને પ્રતિબંધિત કરે છે ત્યારે કેન્યાની દરખાસ્તો આગળ વધીને પ્રોનાઉન્સ, લૈંગિક પરિવર્તન અને સેક્સ એજ્યુકેશનને પ્રતિબંધિત ઠરાવશે.