કેન્યાની એક શાળા દ્વારા બાળકોમાં આફ્રિકન સંસ્કૃતિનું સિંચન કરવાનું અભિયાન

અમારી સંસ્કૃતિ પર હાવી થયેલી અન્ય સંસ્કૃતિઓનો પ્રભાવ હટાવવાનો પ્રયાસ - કાનાયો

Wednesday 20th July 2022 07:39 EDT
 
 

નાઈરોબીઃ કેન્યાની એક શાળા ભાવિ પેઢીમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓનું સિંચન કરવા માટે તેના અભ્યાસ્ક્રમમાં આફ્રિકાને કેન્દ્રસ્થાને રાખી રહી છે. નાકુરુમાં આવેલી ફ્રીડમ સ્કૂલના સત્તાવાળાઓ કહે છે કે પશ્ચિમી શિક્ષણ અને સંસ્કૃતિએ આફ્રિકન પરંપરાઓને પાઠ્યપુસ્તકમાં હાંસિયામાં ધકેલી દીધી છે. અમે આ શાળા ખાતે વિદ્યાર્થીઓને આફ્રિકાને કેન્દ્ર સ્થાને રાખીને તૈયાર કરેલો અભ્યાસક્રમ ભણાવીએ છીએ. જેથી તેઓ પોતાની સંસ્કૃતિ અપનાવી શકે.

શાળાની સ્થાપના જાન્યુઆરી 2018માં કરાઇ હતી અને તેમાં પાંચથી 14 વર્ષના 300થી વધુ આફ્રિકન બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. શાળામાં વિદ્યાર્થીઓને તેમની માતૃભાષાઓ અને સ્થાનિક ભોજન અંગે શિક્ષણ અપાય છે તેમજ તેઓ કયા કબીલામાંથી આવે છે તેનો ઇતિહાસ પણ શીખવવામાં આવે છે.

આ શાળાના સહસ્થાપક ઓકુ કાનાયો કહે છે કે, ‘અમે જોયું કે મોટાભાગના બાળકો શાળામાં ફક્ત અભ્યાસ માટે જાય છે. તેમને પોતાની ઓળખ અંગે કોઇ શિક્ષણ પ્રાપ્ત થતું નથી. અમારી શાળામાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે પણ સારો દેખાવ કરી રહ્યાં છે. અમે બાળકોને તેમની સાચી ઓળખ શીખવવાનું શરૂ કર્યું છે. અમે તેને આફ્રોસેન્ટ્રિક અભ્યાસક્રમ કહીએ છીએ જેના સારા પરિણામ પ્રાપ્ત થઇ રહ્યાં છે. બાળકોમાં ગંભીર પરિવર્તન આવી રહ્યું છે.’ શાળાના હેડટીચર ઉઠેરી કાનાયો કહે છે કે ‘અન્ય સંસ્કૃતિઓ આફ્રિકન સંસ્કૃતિ પર હાવી થઇ રહી હતી. હવે અમે ફરી આફ્રિકન સંસ્કૃતિ પાછી લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter