કેન્યામાં FGMના પ્રતિબંધના છડેચોક ભંગથી સરકારના પ્રયાસોને આંચકો

Tuesday 27th October 2020 15:09 EDT
 
 

નાઈરોબીઃ કેન્યા સરકારે ફિમેલ જેનીટલ મ્યુટિલેશન (FGM) એટલે કે મહિલાઓના પ્રજનનાંગની વાઢકાપ (ખતના) કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, તાજેતરમાં આ પ્રતિબંધનો ભંગ કરવા સાથે પીડિતાઓની ઓપન પરેડ યોજવામાં આવતાં આ માટેના સરકારના પ્રયાસોને આંચકો લાગ્યો હતો. ગત ત્રણ સપ્તાહોમાં સાઉથ વેસ્ટ કેન્યામાં કુરિયા સમુદાયની લગભગ ૨,૮૦૦ યુવતીઓ FGM કરાવ્યું છે. આમ, નારી પ્રજનનાંગોની વાઢકાપ સામેની લડતમાં પ્રાદેશિક ચેમ્પિયન કેન્યામાં ૨૦૨૨ સુધીમાં FGMને નાબૂદ કરવાના સરકારના પ્રયાસોને ભારે ફટકો પડ્યો હતો.

કુરિયા સમુદાયની કેટલીક યુવતીઓનાં પ્રજનનાંગ પટલ (ઉપરનું પડ) જ્યારે, કેટલીક યુવતીઓનાં clitoris દૂર કરાયાં હોવાનું સ્થાનિક કાર્યકરે જણાવ્યું હતું. સપ્ટેમ્બરના અંતથી જે યુવતીઓએ FGM કરાવ્યું હતું તેમણે પ્રદેશના મુખ્ય અર્બન સેન્ટરમાં હાજરી આપી હતી. તેમને રોકડ રકમ સહિત ભેટો અપાઈ હતી. કાર્યકરોના જણાવ્યા મુજબ અન્ય યુવતીઓને FGM માટે પ્રોત્સાહિત કરવા આ ભેટો અપાય છે. આ પ્રથાનું પાલન કરનારા સમુદાયોની માન્યતા છે કે ખતના પ્રક્રિયાથી સ્ત્રીઓની કામેચ્છા નિયંત્રિત રહે છે.

યુનિસેફના ૨૦૨૦ના અહેવાલમાં જણાવાયું છે કે ખતના પ્રક્રિયાને નાબૂદ કરવાની દિશામાં કેન્યાની પ્રગતિ ઈસ્ટ અથવા સાઉથ આફ્રિકામાં અન્ય રાષ્ટ્રો કરતાં ખૂબ સારી છે. કેન્યામાં ૪ મિલિયન યુવતીઓ અને મહિલાઓએ FGM કરાવ્યું છે. પરંતુ, ગયા વર્ષે કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ આ સંખ્યા ૯.૩ મિલિયન જણાવી હતી. યુનિસેફ અનુસાર વિશ્વના ૩૧ જેટલા દેશોમાં ૨૦૦ મિલિયન આજે જીવંત છોકરીઓ અને સ્ત્રીઓ ખતના પ્રક્રિયામાંથી પસાર થયેલી છે.

કેન્યાએ ૨૦૧૧માં FGMને ગેરકાયદેસર ઠેરવ્યું હતું. ગુનાઓમાં ખતના માટે મદદ કરવી કે પ્રોત્સાહન આપવું, ખતના કરવાના સાધનો પાસે રાખવા અને કોઈ વ્યક્તિ ખતના કરતું હોય તો તેના વિશે માહિતી ન આપવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે. આ ગુના માટે કાયદામાં ત્રણ વર્ષથી ઓછી ન હોય તેવી જેલની સજા અથવા sh ૨૦૦૦,૦૦૦ (૧,૪૦૮ પાઉન્ડ) અથવા બન્નેની જોગવાઈ છે. ખતના કરવા દરમિયાન કોઈ યુવતીનું મૃત્યુ નીપજાવાય તો જવાબદારને આજીવન કેદની સજા થઈ શકે છે. પરંતુ, કુરિયા સમુદાય દ્વારા કરાયેલા સરકારના પ્રતિબંધના છડેચોક ભંગથી અધિકારીઓમાં હતાશા છવાઈ છે.

FGM વિરોધી સંસ્થા મ્સિચાના એમ્પાવરમેન્ટ કુરિયાના સ્થાપક નાતાલિ રોબી ટિંગોએ જણાવ્યું કે મોટા પ્રમાણમાં છોકરીઓનું ખતના કરાતું હોવાથી કેટલીક વખત તેમને છોકરાના પહેરવેશમાં મોકલવામાં આવે છે. કેન્યામાં કુરિયા સમુદાયમાં ખતનાનું સૌથી ઊંચું પ્રમાણ છે જેનાથી ૮૪ ટકા સ્ત્રીઓને સહન કરવું પડે છે. કેન્યામાં સાત મહિના શાળાઓ બંધ રહ્યા પછી ખૂલી છે ત્યારે ઘણી છોકરીઓએ ખતના કરાવવાના કારણે અભ્યાસ ગુમાવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter