કેન્યામાં ગોકળગાયની ખેતી વધીઃ ખેડૂતોને ઓછી મૂડીએ વધુ નફો

Wednesday 11th May 2022 06:53 EDT
 
 

નાઈરોબીઃ ગુજરાતીઓ ધીમી ગતિએ થતા કામને ગોકળગાયનું નામ આપે છે, પરંતુ કેન્યામાં આ ગોકળગાય-સ્નેઈલની ખેતી ખેડૂતને ઝડપી ગતિએ માલામાલ કરી દેનારી સિદ્ધ થઈ રહી છે. આફ્રિકા-કેન્યાની જમીન ગોકળગાય માટે વધુ માફક છે, કેમ કે, કેન્યામાં જમીની-ગોકળગાય અને દરિયાઈ ગોકળગાય બંને ઉત્પન્ન થાય છે. ગોકળગાયના મીટની દુબઈ વગેરે અન્ય દેશોનાં બજારોમાં ખોરાક માટે તથા કોસ્મેટિક સારવાર માટે પણ ભારે માગ છે.

જોમો કેન્યાટ્ટા યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચર એન્ડ ટેક્નોલોજીના ફુડ ટેક્નોલોજિસ્ટ પોલ કિનોટી જણાવે છે કે, ‘અમારા મોટા ભાગના ખેડૂતો ખાતર અને બિયારણ વગેરેના ભાવવધારા સામે અન્ય વિકલ્પ તરીકે ગોકળગાયને જુએ છે. તેમાં ઓછી મૂડી સામે સારો નફો મળી રહે છે.’ ગોકળગાયની ખેતીમાં માંડ 1500 ડોલર જેટલો ખર્ચ આવે છે. ફુડ નિષ્ણાતોના મતે, ક્લાઇમેટ ચેન્જમાં ભાગ ભજવતાં મિથેન વાયુ છોડતાં અન્ય મોટાં પ્રાણીને ઉછેરવા કરતાં ગોકળગાયની ખેતી વધારે અનુકૂળ રહે છે.

દરિયાઈ ગોકળગાયનો પાક લેનારા ઝુલ્ફા સુબિરાએ જણાવ્યું કે, દુષ્કાળની સ્થિતિમાં જ્યારે શાકભાજીની તંગી હોય ત્યારે દરિયાઈ મોલસ્ક અને ગોકળગાયથી અમારા પરિવારોનું ગુજરાન ચલાવી શકીએ છીએ. વળી, ગોકળગાયમાં પ્રોટિન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન-એ તેમજ ઝીંગાની જેમ ભરપૂર કોલેસ્ટ્રોલ હોવાના કારણે તે સૌને પોષણક્ષમ જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter