કેન્યામાં પૂર અને જમીનો ધસતાં 18ના મોત

Tuesday 05th May 2026 13:49 EDT
 

નાઈરોબીઃ કેન્યાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી આવેલાં પૂર અને જમીનો ધસવાની ઘટનાઓમાં ઓછામાં ઓછાં 18 લોકોના મોત થયાના રિપોર્ટ્સ છે. પોલીસે જણાવ્યું હતું કે દેશના મધ્ય અને પૂર્વના વિસ્તારો થારાકા નિથિ, એલેગ્યો-મારાક્વેટ અને કિઆમ્બુ કાઉન્ટીઝમાં ભૂસ્ખલનો થયાના અહેવાલો છે.

જમીનો ધસી પડવાથી સંખ્યાબંધ પરિવારોને અસર પહોંચી છે અને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પ્રોપર્ટીઝ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. રાજધાની નાઈરોબીમાં પૂરના પાણી ફરી વળ્યા હતા તેમજ કાર્સ અને રહેવાસીઓ પાણીમાં થઈને આગળ વધતા દર્શાવતા વીડિયો જોવા મળ્યા છે. ઘણા વેપારીઓએ માર્ગની ખરાબ હાલતથી બિઝનેસીસને અસર પહોંચી હોવાનું જણાવી દેખાવો પણ કર્યા હતા.

કેન્યામાં બે મહિનાથી ઓછાં સમયમાં વિનાશક પૂરની સ્થિતિ બીજી વખત જોવાં મળી છે. માર્ચ મહિનામાં નાઈરોબીના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતાં ઓછામાં ઓછાં 37 લોકોના મોત નીપજ્યા હતા. કેન્યા સહિતના દેશોમાં માર્ચથી મે મહિનાના ગાળામાં વરસાદની મોસમ હોય છે. વરસાદના કારણે પાણીજન્ય રોગોથી આરોગ્યને જોખમ તેમજ પાક અને ખેતીની જમીનને નુકસાન થવાની ચેતવણીઓ અપાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter