નાઈરોબીઃ કેન્યામાં ઓગસ્ટમાં યોજાનારી સામાન્ય ચૂંટણી નજીક આવતી જાય છે તેમ પ્રમુખ ઉહુરુ કેન્યાટા અને ઉપપ્રમુખ વિલિયમ રુટો વચ્ચેનો તણાવ વધતો જાય છે. આ ચૂંટણીમાં ૪૭ ઉમેદવારો ઝુકાવવાના છે અને પ્રમુખ કેન્યાટા ઉપપ્રમુખ વિલિયમ ને રાજીનામું આપવા દબાણ કરી રહ્યા છે.
બે ટર્મ પછી કેન્યાટા હવે ચૂંટણીમાં ઝુકાવી શકે તેમ નથી પરંતુ, તેઓ ઉપપ્રમુખને હટાવી પણ શકતા નથી, અને તેના માટે માત્ર મહાભિયોગનો પ્રસ્તાવ લાવવો પડે તેવી સ્થિતિ છે. કેન્યાટાએ પૂર્વ વડાપ્રધાન રઇલા ઓડિંગાને સમર્થન આપવાથી વિલિયમ રુટો નારાજ છે.કેન્યાટાનું કહેવું છે કે રુટોએ હોદ્દા પર રહીને દેશ માટે કશું જ કર્યું નથી! સામા પક્ષે રુટોએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, મંત્રીમંડળની છેલ્લી બેઠક મળ્યે બે-બે વર્ષ વીતી ગયાં છે! પૂર્વ નેતા મ્વાઈ કિબાકીના અંતિમ સંસ્કાર વખતે રાજકીય વિરોધી નેતાઓએ એકબીજા સાથે હસ્તધૂનન સુદ્ધાં ન કરવાથી આ સંઘર્ષના એંધાણ મળી ગયા છે.
ફુગાવો આ વખતની ચૂંટણીમાં એક મહત્ત્વનો મુદ્દો બનશે. કેન્યામાં મોંઘવારી વધતાં પ્રમુખ કેન્યાટાએ કેન્યાના નાગરિકો માટે ગત રવિવારે જાહેરાત કરીને ન્યૂનતમ આવકને ૧૨ ટકા વધારી છે.