કેન્યામાં પ્રસરતો ઈબોલાઃ આઠને ચેપ, એકનું મોત

Wednesday 21st October 2026 07:23 EDT
 

નાઈરોબીઃ કેન્યામાં ઈબોલાના બુન્ડિબુગ્યો સ્ટ્રેઈન ધરાવતા આઠ પેશન્ટ હોવાને સમર્થન મળ્યું છે. કેન્યાના પહેલા ઈબોલા પેશન્ટની સારવાર કરનારા ત્રણ હેલ્થ વર્કર પણ ચેપનો શિકાર બન્યા છે. કેન્યામાં ઈબોલા કેસીસ પડોશી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં ઈબોલા રોગચાળા સાથે સંકળાયેલા છે.

પ્રથમ પેશન્ટનું ઈબોલાથી મોત થયું હોવાને પણ કેન્યાની હેલ્થ મિનિસ્ટ્રીએ સમર્થન આપ્યું છે. આ કેન્યન નાગરિક પેશન્ટ સાત વર્ષથી DRCમાં રહેતો હતો અને ત્યાંથી માર્ગ દ્વારા પ્રવાસ કરીને યુગાન્ડાની રાજધાની કમ્પાલા પહોંચ્યો તે પહેલા એક મહિનાથી બીમાર હતો. તે શનિવાર, ત્રણ ઓક્ટોબરે વિમાન દ્વારા નાઈરોબી પહોંચ્યો હતો અને પાંચ ઓક્ટોબરે તેનું મોત થયું હતું. મે મહિનાથી કોંગો અને યુગાન્ડા વચ્ચેની સરહદો બંધ કરી દેવાયા છતાં, કેન્યાનો નાગરિક કેવી રીતે યુગાન્ડા પહોંચ્યો તે પ્રશ્ન કરાઈ રહ્યો છે. પ્રથમ પેશન્ટના સંપર્કમાં આવેલા 130 લોકોમાંથી 128ને ક્વોરેન્ટાઈનમાં રખાયા છે અને કોમ્યુનિટીમાં વાયરસ ફેલાયો હોવાના કોઈ સંકેતો મળ્યા નથી.

DRCમાં ઈબોલાના રોગચાળામાં 4,300થી વધુ લોકો મોત પામ્યા છે અને સાત પ્રોવિન્સમાં કન્ફર્મ કેસની સંખ્યા 9,000થી વધુએ પહોંચી છે. યુગાન્ડામાં પણ ઈબોલાના 20 કેસ નોંધાયા હતા અને બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જોકે, યુગાન્ડાને હવે રોગમુક્ત જાહેર કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter