નાઈરોબીઃ કેન્યાની પોલીસે શનિવાર 19 જુલાઈએ અગ્રણી માનવાધિકાર કર્મશીલ બોનિફેસ મ્વાન્ગીની ધરપકડ કરી છે. ગત મહિને નાઈરોબીમાં સરકારવિરોધી દેખાવો સાથે સંકળાયેલા ત્રાસવાદી કૃત્યોના ષડયંત્રની શંકા, ગેરકાયદે શસ્ત્રો રાખવાના આરોપ તેમના વિરુદ્ધ લગાવાની શક્યતા છે.
પોલીસ વિભાગના જણાવ્યા મુજબ મ્વાન્ગીના ઘેરથી બે ટીઅરગેસ કેનિસ્ટર, ખાલી કારતૂસ, બે મોબાઈલ ફોન્સ, લેપટોપ અને નોટબૂક્સ જપ્ત કરાયા હતા. સેંકડો કેન્યાવાસીઓ રાજકીય બ્લોગર આલ્બર્ટ ઓજ્વાંગના પોલીસ કસ્ટડીમાં મોતના વિરોધમાં 25 જૂને શેરીઓમાં ઉતરી આવ્યા હતા. આ દેખાવોમાં 19 લોકોના મોતની ઘટનાથી અસહ્ય જીવનનિર્વાહ ખર્ચ, પોલીસ ક્રૂરતા અને ભ્રષ્ટાચાર સામેના રોષ ફરી ભભૂક્યો છે. ફરી 7 જુલાઈએ યોજાએલા દેખાવોમાં 31 લોકોના મોત નીપજ્યા હતા.