નૈરોબી: કેન્યાની રાજધાની નૈરોબીમાં એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા ગયેલા બ્રિટિશ નાગરિક કેમ્પબેલ સ્કોટ એલિસ્ટરની નિર્મમ હત્યાનો મામલો સામે આવ્યો છે. સ્કોટલેન્ડના ફાઈફના વતની 58 વર્ષીય સ્કોટનો મૃતદેહ નૈરોબીથી 60 માઈલ દૂર માકોન્ગો જંગલમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં એક કોથળામાંથી મળી આવ્યો હતો.
ક્રેડિટ સ્કોરિંગ ફર્મ ફિકોમાં સિનિયર ડિરેક્ટર તરીકે કાર્યરત સ્કોટ નૈરોબીમાં એક પ્રેઝન્ટેશન આપવાના હતા. જોકે, તેઓ સમયસર ન પહોંચતા સહકર્મીઓએ તેમના ગુમ થવાની જાણ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘટનાની આગલી રાત્રે તેઓ હવાના નાઇટ ક્લબની મુલાકાતે ગયા હતા.
પોલીસના મતે સ્કોટનું અપહરણ કરીને તેમને તેમની હોટલથી ૯ માઈલ દૂર પાઈપલાઈન નામના સ્લમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રોસિક્યુટર્સનું માનવું છે કે અપહરણકર્તાઓએ તેમના બેંક ખાતામાંથી નાણાં પડાવવા માટે તેમને લાંબા સમય સુધી બંધક બનાવી રાખ્યા હતા અને ત્યારબાદ તેમની હત્યા કરી લાશ જંગલમાં ફેંકી દીધી હતી.
કેન્યાની પોલીસે આ કેસમાં ચાર શંકાસ્પદ આરોપીઓ બર્નાર્ડ મબુસુ, આઈઝેક કિનોટી કોબિયા, ઇવાન્સ મુથેંગી મુતાકી અને કેલ્વિન મ્વાંગી નજોરોગેની દરિયાકાંઠાના શહેર ઉકુન્ડામાંથી ધરપકડ કરી છે.


