કેન્યામાં સરકારવિરોધી દેખાવો મોકૂફઃ રુટો ચૂંટણીપ્રક્રિયા મુદ્દે મંત્રણા માટે તૈયાર

Tuesday 04th April 2023 13:09 EDT
 
 

નાઈરોબીઃ ચૂંટણીપ્રક્રિયા વિવાદ મુદ્દે વિરોધ પક્ષોની ચિંતાનો વાતચીત દ્વારા હલ કાઢવા કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ કરેલી હાકલના પગલે વિરોધપક્ષના નેતા રાઈલા ઓડિન્ગાએ હાલ સરકારવિરોધી દેખાવોની ચોથી રેલી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ઓડિન્ગાએ કહ્યું હતું કે તેઓ વાટાઘાટો માટે તૈયાર છે. પ્રેસિડેન્ટ રુટોએ ઈલેક્ટોરલ પ્રોસેસ અંગેના વિવાદમાં દ્વિપક્ષી પાર્લામેન્ટરી કમિટીની રચનાનું સૂચન કર્યું હતું.

વિપક્ષી નેતા ઓડિન્ગાએ પ્રેસિડેન્ટ રુટોના નિવેદનને ઓલિવ બ્રાન્ચ સાથે રચનાત્મક ઘટના ગણાવ્યું હતું. તેમણે સરકાર સાથે જીવનનિર્વાહ કટોકટી બાબતે પણ ચર્ચા કરાશે તેમ જણાવ્યું હતું. આમ છતાં, વાટાઘાટો નિષ્ફળ જવાની સ્થિતિમાં દેખાવો અને વિરોધનો તેમની પાર્ટીનો અધિકાર અબાધિત રહેવાની જાહેરાત પણ તેમણે કરી છે. નિષ્ફળતા મળશે તો એક સપ્તાહમાં જ દેખાવો પુનઃ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે રુટો સરકારે ફ્યૂલ, મકાઈ અને ઈલેક્ટ્રિસિટીમાં સબસિડીઓ પાછી ખેંચી લીધી છે.

કેન્યામાં ભાવવધારા વિરુદ્ધ આક્રોશ વધી રહ્યો છે. જીવનનિર્વાહની ઊંચી કિંમતો અને ગત ચૂંટણીઓમાં ગેરરીતિઓના વિરોધમાં વિપક્ષી નેતા રાઈલા ઓડિંગા દ્વારા ગુરુવાર 30 માર્ચે યોજાએલી કૂચ-સરઘસોમાં હજારો કેન્યાવાસી જોડાયા હતા. કેન્યાના વિપક્ષી નેતા 78 વર્ષીય રાઈલા ઓડિન્ગાએ નાઈરોબીમાં ગુરુવારના સરકારવિરોધી દેખાવોમાં તેમની હત્યાનો કથિત પ્રયાસ થયાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આ બાબતે કોર્ટમાં કેસ કરવાની સૂચના પણ આપી છે. બેલ્જિયમ અને જર્મનીના પ્રવાસેથી પરત ફરેલા પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ ચાલી રહેલા દેખાવોને ગેરકાયદે ગણાવી અપરાધીઓ સામે પગલાં લેવાની જાહેરાત કરી છે. ધાર્મિક નેતાઓ અને માનવાધિકાર જૂથોએ શાંતિ જાળવવા અપીલો કરી છે.

બે સપ્તાહથી ચાલી રહેલા વિરોધ અને પ્રદર્શનોમાં નાઈરોબીમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ભારે અથડામણો સર્જાઈ હતી. ગત સોમવારની રાત્રે અજાણ્યા તોફાનીઓએ નાઈરોબીના કિબેરા ડિસ્ટ્રિક્ટમાં ચર્ચ અને કેટલાક બિઝનેસીસને આગ ચાંપી હતી તેમજ એક મસ્જિદને પણ નુકસાન પહોંચ્યું હતું. પશ્ચિમના શહેર કિસુમુમાં ઓડિન્ગાના પૈતૃક નિવાસ નજીક એક વ્યક્તિને ઠાર મરાઈ હતી. દેખાવકારોએ પશ્ચિમના શહેર સિઆયા ખાતે પ્રમુખ રુટોની પાર્ટી યિનાઈટેડ ડેમોક્રેટિક એલાયન્સની એક ઓફિસને આગ લગાવી હતી. પોલીસે દેખાવકારોને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો અને ગત સપ્તાહથી શરૂ કરાયેલા વિરોધના પગલે અત્યાર સુધી ચાર લોકોના મોત નીપજ્યા છે. 400 લોકોને ઈજા પહોંચી છે અને કેટલાક બિઝનેસીસમાં લૂંટફાટ ચલાવાઈ છે. પોલિસીંગ ઓવરસાઈટ ઓથોરિટી દ્વારા આ ઘટનાઓની તપાસ હાથ ધરાઈ છે. કેન્યા હ્યુમન રાઈટ્સ અને એમ્નેસ્ટી કેન્યા સહિતના જૂથોએ પોલીસ દ્વારા માનવ અધિકારોના ઉલ્લંઘનો બદલ ચિંતા વ્યક્ત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter