નાઈરોબીઃ કેન્યામાં પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની સરકાર સામે વિરોધી દેખાવો ચાલી રહ્યા છે ત્યારે મનસ્વી ધરપકડો અને સરકારી હિંસાનો તત્કાળ અંત લાવવાની માગણી સાથે રવિવાર 6 જુલાઈએ યોજાએલી હ્યુમન રાઈટ્સ કમિશનની ન્યૂઝ કોન્ફરન્સ પર 20 શસ્ત્ર અને લાકડીઓ સાથેની ગેંગ દ્વારા હુમલો કરાયો હતો. ન્યૂઝ કોન્ફરન્સ હોલનો ગેટ બંધ હતો, પરંતુ ગેંગના લોકો બળજબરીથી અંદર ઘૂસી આવ્યા હતા અને હાજર લોકોને મારવાનું અને લૂંટવાનું શરૂ કરી દીધું હતું.
દરમિયાન,નાઈરોબીમાં સોમવાર, 7 જુલાઈએ લોકશાહીતરફી રેલીઓની 35મી વર્ષગાંઠ નિમિત્તે યોજાએલા દેખાવોમાં પોલીસે દેખાવકારો પરપ ગોળીબાર કર્યો હતો અને ઓછામાં ઓછી બે વ્યક્તિના મોત નીપજ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કેન્યામાં ગયા વર્ષે શરૂ કરાયેલા વિરોધ પ્રદર્શનોને એક વર્ષ પૂર્ણ થયા પછી 25 જૂને દેશવ્યાપી વિરોધનું આયોજન કરાયું હતું, જેમાં દેખાવોને રોકવા સર્જાયેલી હિંસામાં આશરે 20 લોકોના મોત નીપજ્યા હતા અને 500થી વધુ લોકોને ઈજા પહોંચી હતી, બિઝનેસીસની લૂંટફાટ કરાઈ હતી અને ઓછામાં ઓઔછી 10 બિલ્ડિગને આગ લગાવાઈ હતી. દરમિયાન, ઈન્ટિરિયર મિનિસ્ટર કિપ્ચુમ્બા મુર્કોમેને સરકારવિરોધી દેખાવોને બળવાખોરો દ્વારા સરકાર ઉથલાવી નાખવાના કાવતરા તરીકે ગણાવ્યા હતા.
નાઈરોબીમાં 17 જૂને પોલીસ ક્રૂરતાના વિરોધમાં દેખાવો પર મોટરબાઈક્સ પર દંડૂકા, કોરડા સાથે સજજ સેંકડો લોકોએ હુમલો કર્યો હતો.