નાઈરોબીઃ એજ્યુકેશન કેબિનેટ સેક્રેટરી જ્યોર્જ મગોહાએ નીમેલી ડો. સારા રુટોના અધ્યક્ષપદ હેઠળની કમિટીની ભલામણોનો સરકાર સ્વીકાર કરશે તો આગામી ૧૯ ઓક્ટોબરથી સ્કૂલો શરૂ થશે અને સ્ટાન્ડર્ડ ૮ તથા ફોર્મ ૪ના લર્નર્સ રાષ્ટ્રીય પરીક્ષામાં બેસી શકશે.
ટર્મની તારીખોમાં વિક્ષેપને પરિણામે, સામાન્ય રીતે જાન્યુઆરીથી નવેમ્બર સુધીના સ્કૂલના કેલેન્ડર વર્ષમાં ફેરફાર કરીને તેની શરૂઆત જૂનથી કરવાની પરવાનગી આપવા પણ કમિટીએ ભલામણ કરી હતી. આ ભલામણો અંગે આગામી દિવસોમાં મોટી જાહેરાત થવાની શક્યતા છે. સન્ડે નેશન મુજબ અગાઉ જાહેર કરાયા મુજબ લર્નર્સને ફરીથી ક્લાસમાં ભણવું પડશે નહિ પરંતુ, તે માટેની વ્યવસ્થા કેવી રીતે પૂર્ણ કરાશે તે હજુ અસ્પષ્ટ છે.
શિક્ષણ ક્ષેત્રના સીનિયર નિષ્ણાતોની ટીમે બીજી ટર્મ ઓક્ટોબરથી નવેમ્બર સુધીની અને ત્રીજી ટર્મ જાન્યુઆરીમાં શરૂ થઈને માર્ચમાં પૂરી થાય તેવું શૈક્ષણિક કેલેન્ડર રાખવાની ભલામણ કરી હતી. આમ, ૨૦૨૧માં પ્રથમ ટર્મનો પ્રારંભ મે અથવા જૂનની શરૂઆતમાં થાય. આના કારણે અર્લી ચાઈલ્ડ ડેવલપમેન્ટ એજ્યુકેશન ક્લાસીસમાં જોડાવા માગતા હજારો બાળકોને દોઢ વર્ષનો વિલંબ થશે.
પહેલી દરખાસ્તમાં તબક્કાવાર સ્કૂલો ફરી શરૂ કરવા સૂચન કરાયું હતું. જેમાં, સ્ટાન્ડર્ડ ૭, સ્ટાન્ડર્ડ ૮, ફોર્મ ૩ અને ફોર્મ ૪ના વિદ્યાર્થીઓનો અભ્યાસ ૧૯ ઓક્ટોબરથી શરૂ કરાશે. ગ્રેડ ૪ના વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ પ્રથમ તબક્કામાં શરૂ થશે. પ્રાઈમરી સ્કૂલોમાં પ્રિ-પ્રાઈમરી એક અને બે તથા ગ્રેડ એકથી ત્રણ અને સ્ટાન્ડર્ડ પાંચ અને છના વિદ્યાર્થીઓ બીજી નવેમ્બરથી ફરી સ્કૂલે જતાં થશે જ્યારે, સેકન્ડરી સ્કૂલના ફોર્મ એક અને બેના વિદ્યાર્થીઓ પણ તે જ તારીખથી સ્કૂલ જવા લાગે તેવી શક્યતા છે.