નાઈરોબીઃ કેન્યામાંથી હજારો જીવતી કીડીઓને સ્મગલિંગ કરી ચીન લઈ જવાના પ્રયાસના ગુનાસર નાઈરોબીની કોર્ટે ચીનના નાગરિક ઝાંગ કેક્યુનને એક વર્ષની જેલ અને એક મિલિયન કેન્યન શિલિંગ્સ (5,713 પાઉન્ડ)ના દંડની સજા ફરમાવી છે.
માર્ચ મહિનામાં નાઈરોબીના મુખ્ય વિમાનીમથકે ચીની નાગરિકના સામાનની તપાસ કરવામાં આવતા 2000થી વધુ જીવંત ક્વીન ગાર્ડન કીડીઓના પેકેટ્સ મળી આવ્યા હતા. જેલની સજા પૂર્ણ થયા પછી ઝાંગને તેના દેશ મોકલી અપાશે. ઝાંગે પાછળથી તેનો ગુનો સ્વીકારી લીધો હતો. ઝાંગે કેન્યાના નાગરિક ચાર્લ્સ મવાન્ગી પાસેથી 100 કીડીદીઠ 10,000 શિલિંગ્સ (58 પાઉન્ડ)ના હિસાબે ખરીદી કરી હતી
યુરોપ અને એશિયામાં આ પ્રકારની કીડીઓની ભારે માગ છે અને તેમનો સંગ્રહ કરવામાં આવે છે. એક કીડીની કિંમત 170 પાઉન્ડ જેટલી હોઈ શકે છે. નાઈરોબી કોર્ટના જજ ઈરિન ગોચેબીએ ઝાંગને પસ્તાવારહિત અપ્રામાણિક વ્યક્તિ ગણાવી આવા કિસ્સાઓમાં સખત સજાની તરફેણ કરી હતી. ગાર્ડન એન્ટ્સની મોટા પાયે દાણચોરીના કેસીસ વધતા જાય છે જેનાથી પર્યાવરણને નકારાત્મક અસર થાય છે.
ગયા વર્ષે કેન્યાની કોર્ટે બે બેલ્જિયન, એક વિયેટનામી અને એક કેન્યનને હજારો ક્વીન કીડીઓની દાણચોરી બદલ એક વર્ષની જેલ અને 5800 પાઉન્ડનો દંડ ફરમાવ્યો હતો.


