બ્રાઝાવિલેઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને ગીઆનામાં ઈબોલાએ દેખા દેતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ છ આફ્રિકન રાષ્ટ્રોને તેના સંભવિત કેસીસ વિશે સતર્ક રહેવા ચેતવણી આપી હતી. કોંગોએ ૭ ફેબ્રુઆરીએ અને ગીઆનાએ ૧૪ ફેબ્રુઆરીએ ઈબોલાની કટોકટી જાહેર કરી હતી. ગીઆનામાં ૨૦૧૬ પછી ઈબોલાથી ત્રણના મૃત્યુ થયાં છે.
જીનિવામાં WHOના માર્ગારેટ હેરિસે પત્રકારોને જણાવ્યું કે તેમણે સિયેરા લિયોન અને લાઈબેરિયા સહિત છ દેશોને ચેતવણી આપી છે અને તેઓ ઝડપથી તૈયારી કરી રહ્યા છે અને કોઈ સંભવિત સંક્રમણ ધ્યાને આવે તો તેના માટે તૈયાર રહેશે. દરમિયાન, જે વિસ્તારોમાં અગાઉ સૌ પ્રથમ ઈબોલા મહામારી નોંધાઈ હતી ત્યાં ૧૫મીને સોમવારે વેક્સિનેશન અભિયાન શરૂ કરાયું હતું.
ગીઆનામાં ૨૦૧૩માં ફાટી નીકળ્યા બાદ ઈબોલાએ ફરી દેખા દેતા ત્રણ લોકોનું મૃત્યુ થયું હતું અને પાંચ લોકો પોઝિટીવ જણાયા હતા. ડાયેરિયા, ઉલ્ટી અને લોહી નીકળવાની તકલીફ સાથે તેઓ બીમાર પડ્યા હતા. તેમાંથી કેટલાંક ન્ઝેરેકોર પ્રાંતમાં દફનવિધિમાં હાજર રહ્યા પછી સંક્રમિત થયા હતા. ગીઆનાની હેલ્થ એજન્સીના વડા સાકોબા કેલ્ટાએ જણાવ્યું કે દેશમાં ઈબોલાની મહામારી જેવી પરિસ્થિતિ છે. ત્રણ મૃત્યુ સહિત નોંધાયેલા કુલ સાત કેસમાં ચાર પુરુષ અને ત્રણ મહિલા હતી. એકને કોનાક્રી અને બેને ન્ઝેરેકોર સહિત ત્રણને આઈસોલેશનમાં રખાયા હતા. ફ્યુનરલમાં ભાગ લેનારા લોકોને થોડા દિવસમાં ડાયેરિયા, વોમિટીંગ, બ્લિડિંગ અને તાવની તકલીફ થઈ હતી.
ગીઆનાથી શરૂ થયેલી ઈબોલા મહામારીમાં લીધે ૨૦૧૩ અને ૨૦૧૬ વચ્ચે ૧૧,૦૦૦થી વધુ લોકોનું મૃત્યુ થયું હતું. માણસ જ્યારે ચિમ્પાન્ઝી અને ફ્રૂટ બેટ્સ જેવા સંક્રમિત પ્રાણીઓના સંપર્કમાં આવે છે ત્યારે તે સંક્રમિત થાય છે. તે પછી આ રોગ સંક્રમિત લોહી, પ્રવાહી અને અંગોના સીધા સંપર્કના માધ્યમથી માણસોમાં ફેલાય છે. પ્રદૂષિત પર્યાવરણના સંપર્કમાં આવવાથી પણ તે પરોક્ષ રીતે ફેલાઈ શકે છે.