કોંગોમાં ઈબોલા રિસ્પોન્સ ફંડના $700 મિલિયનનો હિસાબ મળતો નથી

Wednesday 21st October 2026 07:25 EDT
 

ડકારઃ આફ્રિકાની સર્વોચ્ચ જાહેર આરોગ્ય સંસ્થા અને કોંગોના હેલ્થ સત્તાવાળાઓ દ્વારા ઈબોલા રિસ્પોન્સ ફંડના ઉપયોગમાં પારદર્શિતા માટે હાકલ કરવામાં આવી છે કારણકે આફ્રિકા CDCએ જણાવ્યા અનુસાર સહાય સંસ્થાઓ દ્વારા દાતાઓના નાણામાંથી 700 મિલિયન ડોલરથી વધુ રકમનો હિસાબ મળતો નથી.

આફ્રિકા CDCના ડાયરેક્ટર જનરલ ડો. જીન કાસેયાએ જણાવ્યું હતું કે આ ફંડની ઉચાપત થઈ હોવા વિશે કશું કહેવું ઘણું વહેલું છે, પરંતુ પારદર્શિતા અને ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ વચ્ચેની ખાઈના કારણે પ્રાપ્ત અને ખર્ચાયેલા સંસાધનોનું સંપૂર્ણ ચિત્ર મળતું નથી. આંતરરાષ્ટ્રીય દાતાઓએ કોંગોમાં ઈબોલા રિસ્પોન્સ કામગીરીના અમલ માટે આશરે 962 મિલિયન ડોલર સરકારને આપવાના બદલે સંસ્થાઓને આપ્યા હતા.

ઈબોલા રિસ્પોન્સના અમલ સાથે સંકળાયેલી સંસ્થાઓમાંથી માત્ર એક તૃતીઆંશ સંસ્થા જ હેલ્થ મિનિસ્ટ્રીની બેઠકમાં હાજર રહી હતી. આ સંસ્થાઓએ તેમને 228 મિલિયન ડોલર મળ્યા હતા અને તેમાંથી અંદાજે 127 મિલિયન ડોલરના ખર્ચ સાથે આશરે 100 મિલિયન ડોલરનું બેલેન્સ રહ્યું હોવાનો હિસાબ આપ્યો છે. ડો. કાસેયાએ અમલ નહિ કરનારી સંસ્થાઓને કોંગોમાં કામગીરી પર પ્રતિબંધ અને આફ્રિકામાં બ્લેક લિસ્ટ કરવાની ચેતવણી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter