કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક કોન્ગો (DRC)ના ઈટુરી પ્રોવિન્સના બુનિયા, મોંગવાલુ અને આરવામ્પારા શહેરોમાં ઈબોલા વાઈરસનો પ્રકોપ ફાટી નીકળતા 88 લોકોના મોત નીપજ્યા હતા અને 300થી વધુ કેસ શંકાસ્પદ જણાયા હતા. ઈબોલા રોગચાળાના પગલે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી. જોકે, તેને મહામારી ગણાવાઈ નથી.
સૌપ્રથમ કેસ એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહની શરૂઆતમાં જણાયાની શંકા છે, પરંતુ ત્રણ સપ્તાહ સુધી તેની જાણ કે ઓળખ થયા વિના જ રોગચાળો ભારે ઝડપથી આગળ વધ્યો હતો. રાજધાની કિન્હાસા અને નોર્થ કિવુ ખાતે પણ કેસીસ નોંધાયા હતા. કોન્ગોના પડોશી દેશો યુગાન્ડા, કેન્યા, રવાન્ડા અને સુદાનમાં પણ એલર્ટ જાહેર કરાયો છે. યુગાન્ડામાં બે પેશન્ટ ઈન્ટેન્સિવ કેરમાં હોવાનું જણાવાયું છે.
ઈબોલાથી ચેપગ્રસ્ત લોકોમાં 25થી 90 ટકાનો મૃત્યુદર રહે છે, જેનો આધાર તેના સ્ટ્રેઈન પર છે. વર્તમાન પ્રકોપ દુર્લભ બુન્ડિબુગ્યો વાઈરસના લીધે થયો છે જેના માટે કોઈ વેક્સિન નથી. સામાન્યપણે ઈન્ફેક્શન લાગ્યાના બેથી સાત દિવસની અંદર ભારે તાવ, શરીરમાં દુઃખાવો, ગળામાં સોજા સહિતના લક્ષણો દેખા દે છે. 1976માં સૌપ્રથમ આ રોગ શોધાયો તે પછી કોન્ગોમાં આ 17મી વખત ઈબોલા રોગચાળો ફેલાયો છે. એક દાયકા અગાઉ, 2013થી 2016 દરમિયાન ગિની, લાઈબેરિઆ અને સીએરા લિઓન અને આસપાસના દેશોમાં સૌથી ખરાબ રીતે ફેલાયેલા રોગચાળામાં 28,000થી વધુ લોકોને ચેપ લાગ્યો હતો અને ઓછામાં ઓછાં 11,000 લોકોના મોત થયા હતા.

