કોંગોમાં ઈબોલાના 900થી વધુ શંકાસ્પદ કેસીસ

Tuesday 26th May 2026 12:18 EDT
 
 

જીનિવા, કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં જીવલેણ વાયરલ રોગ ઈબોલાના રોગચાળાએ ખતરનાક સ્થિતિ ઉભી કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડરોસ આધનોમ ગ્બ્રેયેસસના જણાવ્યા અનુસાર કોંગોમાં ઈબોલાના શંકાસ્પદ કેસીસ 900ની સંખ્યાને વટાવી ગયા છે એટલે કે એક જ સપ્તાહમાં ત્રણ ગણો ઉછાળો નોંધાયો હતો. કોંગોએ માન્ય વેક્સિન કે સારવાર નથી તેવા બુન્ડિબુગ્યો સ્ટ્રેઈનના કારણે રોગચાળો થયાની જાહેરાત 15 મેએ કરી હતી. કોંગોની હેલ્થ મિનિસ્ટ્રીએ શનિવાર સુધીમાં 204 મોતના આંકડા આપ્યા હતા. કોંગોના પડોશી દેશ યુગાન્ડામાં પણ ઈબોલાના સાત કેસ નોંધાયા છે.

WHOના સત્તાવાળાએ જણાવ્યું હતું કે ઈબોલા રોગચાળો કોંગો માટે ભારે જોખમની સ્થિતિ ધરાવે છે. એક સપ્તાહ પહેલા 246 કેસ અને 65ના મોતની સ્થિતિ હતી તે વધીને 750 શંકાસ્પદ કેસ અને 177 શંકાસ્પદ મોતના આંકડા સાથે ઝડપથી વણસી રહી છે.

હેલ્થ કેન્દ્રો પર હુમલાઃ ઈબોલાના પેશન્ટ્સ નાસી છૂટ્યા

કોંગોમાં ડોક્ટરો ઈબોલા રોગચાળા સામે લડી રહ્યા છે ત્યારે પાયાના પુરવઠાઓની અછતની સાથોસાથ હેલ્થ ફેસિલિટીઝ પર હુમલાઓ થઈ રહ્યા છે. આના પરિણામે, પેશન્ટ્સ નાસી છૂટતા વાઈરસના ફેલાવાનું જોખમ વધ્યું છે. ઈબોલાના કેસીસ વધુ છે તેવા ઈટુરી પ્રોવિન્સમાં હુમલાની ત્રણ ઘટનાઓ નોંધાઈ હતી. જેમાં એક જ મોન્ગબ્વાલુ જનરલ રેફરલ હોસ્પિટલ પર શનિવાર અને રવિવારના હુમલા પછી 25થી વધુ પેશન્ટ નાસી છૂટ્યા હતા. પોતાના સ્વજનોના મૃતદેહોને દફન નહિ કરવા દેવાથી રોષે ભરાયેલા તેમજ ઈબોલા રોગચાળો બનાવટી હોવાનું માનતા લોકોએ હોસ્પિટલો પર હુમલાઓ કર્યા હતા. ગત ગુરુવારે ઈટુરી પ્રોવિન્સના આરવામ્પારાની હોસ્પિટલની બહાર ઈબોલા સારવાર કેન્દ્ર તૈયાર કરાઈ રહ્યું હતું ત્યારે તંબુઓ અને મેડિકલ સપ્લાઈઝ સળગાવી દેવાયા હતા. હોસ્પિટલમાં મોત પામેલી સ્થાનિક વ્યક્તિના મૃતદેહને લઈ જવા ઈનકાર કરાયો ત્યારે રોષે ભરાયેલી ભીડે આગ લગાવી હતી.

યુગાન્ડામાં પણ ઈબોલાના કેસીસ વધ્યા

યુગાન્ડામાં નવા બે કેસ કન્ફર્મ કરાયા સાથે ઈબોલા રોગચાળાના કુલ સાત કેસને સમર્થન મળ્યું છે. આ બધા જ કેસ પડોશી દેશ કોંગોમાં ફાટી નીકળેલા ઈબોલા રોગચાળા સાથે સીધા જ સંકળાયા હોવાનું કહેવાયું છે. હેલ્થ અધિકારીઓના જણાવ્યા મુજબ કમ્પાલાની ખાનગી હોસ્પિટલમાં બે હેલ્થ વર્કર્સને ઈબોલાનો ચેપ લાગ્યો હતો. અગાઉ, કમ્પાલાની હોસ્પિટલમાં કોંગોનો એક ચેપગ્રસ્ત નાગરિક ઈબોલાથી મોતને ભેટ્યો હતો, તેના કારણે હેલ્થ વર્કર્સને ચેપ લાગ્યો હોવાનું મનાય છે.

યુકે ઈબોલા સામે લડવા 20 મિલિયન પાઉન્ડની સહાય કરશે

યુકેના ફોરેન સેક્રેટરી ઈવેટ કૂપરે જાહેર કર્યું છે કે ડીઆર કોન્ગો અને યુગાન્ડામાં ફાટી નીકળેલા ઈબોલા રોગચાળા સામે લડવા યુકે 20 મિલિયન પાઉન્ડ સુધીની મદદ કરશે. ફોરેન ઓફિસના નાણા ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને મદદ, ચેપના નિયંત્રણને સુધારવા અને રોગચાળા પર નજર રાખવા ઉપયોગમાં લેવાશે. ફોરેન સેક્રેટરી કૂપરે જણાવ્યું હતું કે, ‘જીવનો બચાવવા કાર્ય કરીએ તે મહત્ત્વનું છે કારણકે ઈબોલા જેવા રોગચાળા સરહદો પર અટકતા નથી, આપણે પણ નહિ અટકીએ. આ રોગચાળો યાદ અપાવે છે કે વૈશ્વિક આરોગ્ય જોખમો સામે વૈશ્વિક પ્રતિભાવની જરૂર રહે છે.’

નવી વેક્સિન તૈયાર કરવાની મથામણ

WHOની પ્રેસ બ્રીફિંગમાં જણાવાયું હતું કે વૈજ્ઞાનિકોએ એન્ટિવાઈરલ ડ્રગ ઓબેલડેસિવીર (obeldesivir)ની ઓળખ કરી છે જેનાથી બુન્ડિબુગ્યો કેસીસના સંપર્કમાં આવનારા લોકોમાં રોગના ફેલાવાને કદાચ અટકાવી શકાશે. આ ડ્રગની અસરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રાયલ કરવાની તૈયારી થઈ રહી છે. દરમિયાન, ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ બુન્ડિબુગ્યો સ્ટ્રેઈન માટે તાકીદે નવી વેક્સિન- ChAdOx1 BDBV વિકસાવવા મથામણ કરી રહ્યા છે, જેની ક્લિનિકલ ટ્રાયલ બેથી ત્રણ મહિનામાં શરૂ કરાવાની શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter