કોંગોમાં ભારે વરસાદથી પૂરે વેરેલો વિનાશઃ મૃત્યુઆંક 400થી વધુ

Tuesday 09th May 2023 16:09 EDT
 
 

કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. દક્ષિણ કિવુ પ્રોવિન્સના કાલેહે વિસ્તારમાં વરસાદથી આવેલા પૂરમાં બુશુશુ અને ન્યામુકુબી ગામડાં ડૂબી ગયા હતા, શાળાઓ અને હોસ્પિટલો સહિત અનેક ઈમારતો તણાઈ જવા ઉપરાંત, ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન થયું છે. દક્ષિણ કિવુના ગવર્નર થીઓ ગ્વાબિજે કાસીએ સોમવારે જણાવ્યું હતું કે મૃત્યુઆંક 401ને પાર થયો છે તેમજ સંખ્યાબંધ લોકોન ઈજા પહોંચી છે. દેશની સરકારે સોમવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, કાલેહે વિસ્તારમાં ગત ગુરુવાર, 4મેએ ભારે વરસાદના લીધે નદીઓમાં ભારે પૂર આવ્યાં હતાં. પૂરને કારણે ગામડામાં બહાર સૂઈ રહેલા લોકો પણ પાણીમાં તણાઈ ગયા હતાં. શુક્રવારે મૃત્યુઆંક 176 હતો જે સતત વધતો રહ્યો હતો. બચાવકર્મીઓ બચાવ કામગીરીની સાથોસાથ ભૂસ્ખલનના કારણે માટીમાં દટાયેલા મૃતદેહોને બહાર કાઢી રહ્યા છે. રેડ ક્રોસના અનુસાર, મૃતદેહોને એકબીજા ઉપર રાખવામાં આવ્યા હતાં. બુશુશુ અને ન્યામુકુબી ગામવિસ્તારોમાં થયેલી તારાજીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. હોસ્પિટલો અને ઈમારતો માટીના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી અને ખેતરોમાં પાણી ભરાયાં હતાં. સ્થાનિક હોસ્પિટલના ડોકટરના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્તોમાં 80 ટકા દર્દીને ફ્રેકચર થયાં છે. કોંગોના પડોશી દેશ રવાન્ડામાં એક સપ્તાહ અગાઉ આવેલા ધોધમાર વરસાદને કારણે 130 લોકોના મોત થવા ઉપરાંત, 5000 ઘાયલ થયા હતાં અને હજારો ઘર નાશ પામ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter