કોર્ટે પ્રોસિક્યુટરને હટાવવાની ઝૂમાની અરજી ફગાવી - ૧૧ એપ્રિલથી ભ્રષ્ટાચારના કેસની સુનાવણી

Wednesday 03rd November 2021 08:06 EDT
 
 

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાની કોર્ટે પાંચ યુરોપિયન કંપની સાથેના ૧૯૯૯ના શસ્ત્ર સોદામાં  ભ્રષ્ટાચારના કેસમાંથી એટર્ની જનરલને હટાવવાની ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જેકબ ઝૂમાની અરજીને ગયા મંગળવારે ફગાવી દીધી હતી અને લાંબા સમયથી પડતર કેસની આગામી સુનાવણી ૧૧ એપ્રિલ ૨૦૨૨ પર નિશ્ચિત કરી હતી.પ્રોસિક્યુટર બીલી ડાઉનર સ્વતંત્ર કે નિષ્પક્ષ નથી તેમ તણાવીને ઝૂમાએ તેમને આ કેસમાંથી હટાવવાની માગ કરી હતી. તેમણે તેમના મેડિકલ રેકર્ડ્સ મીડિયાને લીક કરવાનો ડાઉનર પર આક્ષેપ કર્યો હતો.
પરંતુ, પીટરમેરિત્ઝબર્ગ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ પીટ કોએને સુનાવણીમાં જણાવ્યું કે ડાઉનર આ કેસ લડવા માટે યોગ્ય નથી અથવા પ્રોસિક્યુટર તરીકે રહી ન શકે તે દલીલ સાથે કોર્ટ સંમત નથી. આ સુનાવણીમાં ઝૂમા પણ હાજર રહ્યા હતા. જજે કહ્યું કે બંધારણીય રીતે યોગ્ય ટ્રાયલના ઝૂમાના હક્કોને અસર થયાનું અથવા તેમના હક્કોને અસર થવાની કોઈ શક્યતા હોવાનું પૂરવાર થયું નથી.
અગાઉ ૨૦૦૯થી ૨૦૧૮ દરમિયાન પ્રેસિડેન્ટપદે તેમના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હતો. તેમના પર ફ્રેન્ચ કંપની થેલેસ પાસેથી લાંચ લેવાનો આરોપ છે. તેઓ છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરવાના ૧૬ કાઉન્ટનો સામનો કરી રહ્યા છે. અગાઉ, તેમને સરકાર સમર્થિત તપાસમાં જુબાની આપવા માટે બંધારણીય કોર્ટે આદેશ આપ્યો હતો. તેનો અનાદર કરવા બદલ તેમને સજા થઈ હતી. ૮ જુલાઈએ ઝૂમાને જેલમાં મોકલી અપાયા હતા. તે પછી ક્વાઝૂલુ - નાતાલ અને ગૌતેંગ પ્રાંતમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. એક અઠવાડિયા સુધી ચાલેલા તોફાનોમાં ૩૩૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને માલ – મિલ્કતને જંગી નુક્સાન થયું હતું. બે મહિના જેલમાં રહ્યા પછી નાદુરસ્ત તબીયતના કારણસર છૂટ્યા હતા.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter