નકુરુ, નાઈરોબીઃ ઉદારતાની હૃદયસ્પર્શી ઘટનામાં દિવંગત કંચનબહેન શાહના કોર્નિઆનું દાન કરવામાં આવ્યું હતું જેના થકી અંધકારમાં જીવતા દૃષ્ટિહીન લોકોની જીંદગીમાં ઉજાસ પથરાશે.કંચનબહેન શાહનાં અવસાન પછી લાયન્સ ક્લબ ઓફ નકુરુ દ્વારા કોર્નિઆ ડોનેશનની સંમતિ મેળવવા પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
પરિવારની સંમતિ પ્રાપ્ત થતાં જ લાયન્સ ક્લબની ટીમે તત્કાળ લાયન્સ લોરેશો આઈ હોસ્પિટલના નિષ્ણાતો સાથે સંકલન સાધ્યું હતું અને નિષ્ણાત ટીમ નાજૂક પ્રક્રિયા હાથ ધરવા નાઈરોબીથી નકુરુ આવી પહોંચી હતી.
આધુનિક મેડિકલ ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિના પરિણામે, દાન અપાયેલા દરેક કોર્નિઆને વિભાજિત કરી શકાય છે અને દાન મેળવનાર બે વ્યક્તિની આંખમાં બેસાડી શકાય છે. આના પરિણામે, કંચનબહેન શાહના કોર્નિઆદાન થકી ચાર વ્યક્તિની દૃષ્ટિને પુનઃસ્થાપિત કરી શકાશે. આનાથી તેમને માત્ર દૃષ્ટિ નહિ સાંપડે, પરંતુ તેમના જીવનમાં આશા અને આઝાદીની નવી ચેતનાનો સંચાર થશે.
લાયન્સ કોમ્યુનિટી આઈ ડોનેશનને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતી રહી છે. જ્યારે પણ હિન્દુ સમુદાયના કોઈ સભ્ય ચિરવિદાય લે છે ત્યારે લાયન ડો. હરિઆ, લાયન મિશાલ, લાયન અરુણ અને લાયન શૈલેષ જેવા સમર્પિત સ્વયંસેવકો શોકગ્રસ્ત પરિવારોનો સંપર્ક સાધી તેઓને કોર્નિયા ડોનેશનના મહત્ત્વ અને અસર વિશે શાંતિથી સમજાવે છે. દષ્ટિની ભેટ મારફત સ્વજનના વારસાને જીવંત રાખી શકાય છે.


