ડોડોમાઃ ટાન્ઝાનિયાના હેલ્થ મિનિસ્ટર ડોરોથી ગ્વાજીમાએ પાટનગર ડોડોમા ખાતે જણાવ્યું હતું કે કોવિડ – ૧૯ માટે વેક્સિન મેળવવાનું કોઈ આયોજન નથી. ૬૦ મિલિયન લોકોની વસ્તી ધરાવતા દેશના પ્રમુખે પૂરાવા વિના વેક્સિન વિશે શંકા વ્યક્ત કરી હતી. કોઈ પણ વેક્સિન હશે તેને હેલ્થ મંત્રાલયની મંજૂરી મેળવવી જ પડશે.
ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોને ડોઝ પહોંચાડવાના હેતુસર કોવેક્સ ગ્લોબલ અફોર્ટ માટે ટાન્ઝાનિયા લાયક છે પરંતુ, ક્યારે વેકિસન આવશે તે સ્પષ્ટ નથી. ટાન્ઝાનિયા સલામત હોવા પર તેમણે ભાર મૂક્યો હતો. પ્રેઝન્ટેશન દરમિયાન તેમણે અને અન્યોએ માસ્ક પહેર્યા ન હતા. તેમણે સેનિટાઈઝરના ઉપયોગ સહિત તકેદારી રાખવા તેમજ સ્ટીમ લેવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. પરંતુ, કેથલિક ચર્ચથી લઈને સરકારી સંસ્થાઓ લોકોને અને કર્મચારીઓને કહે છે કે દેશમાં કોવિડ-૧૯ છે અને તમામ તકેદારી રાખવી જ જોઈએ. ચીફ ગવર્નમેન્ટ કેમિસ્ટ ફિડલીસ માફુમિકોએ પણ કોવિડ – ૧૯ થી સાજા થવા હર્બલ મેડિસીનના ઉપયોગનું સૂચન કર્યું હતું. કોરોના પ્રત્યે ટાન્ઝાનિયાના વલણની ટીકા થઈ રહી છે. તેણે ગયા એપ્રિલથી કોરોના સંક્રમિત લોકોની સંખ્યાનો આંક જે ૫૦૯ હતો તેમાં કોઈ સુધારો કર્યો નથી.