કમ્પાલા, નાઈરોબીઃ કેન્યા એરવેઝ, રવાન્ડા એર અને યુગાન્ડા એરલાઇન્સના અધિકારીઓએ ખર્ચમાં વધારો, ક્ષમતામાં ઘટાડો અને બિઝનેસ અંદાજોમાં ફેરફાર સાથેનું વાતાવરણ બિઝનેસ માટે પડકારજનક હોવાનો સ્વીકાર કર્યો હતો. IATA દ્વારા જણાવાયું હતું કે ઇસ્ટ આફ્રિકામાં ફરીથી કોવિડ-૧૯ના ઉછાળાને લીધે કેશ પોઝિટિવ કરવાની સાથે જોબ બચાવવાની જરૂરિયાત વચ્ચે સમગ્ર વિશ્વમાં ટ્રાવેલમાં ફરી અવરોધ ઉભો થયો છે. તેથી ઈસ્ટ આફ્રિકાની એરલાઈન્સ ફરીથી મુશ્કેલીમાં મૂકાઈ છે.
૧૨ જાન્યુઆરીએ નવા વર્ષના પ્રથમ બ્રિફિંગમાં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્ઝાન્ડ્રિયા દ જૂનીઆકે જણાવ્યું હતું કે કેશ બર્નથી કેશ જનરેશનમાં રૂપાંતરણ થશે તેમ લાગતું હતું. જોકે, એરલાઇન્સ માટે આગામી છ મહિના હજુ કપરા રહેશે. તેમણે ઉમેર્યું હતું કે વર્ષના અંતે હોલીડે પિરિયડ દરમિયાન ઉછાળાને બદલે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી પર વધુ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. વાઈરસ મ્યુટેશનને લીધે સરકારોએ તેમની બોર્ડરો વધુ સખત બનાવી દીધી છે. કેનેડા, યુકે, જર્મની, જાપાન અને અન્ય દેશોએ ક્વોરન્ટાઈનની જરૂરિયાતને રદ કર્યા વિના તેમના પગલાંમાં કોવિડ-૧૯ ટેસ્ટિંગનો ઉમેરો કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે જે નીતિવિષયક પગલાં લીધા છે તેનાથી ટ્રાવેલ ઉદ્યોગ બંધ થઈ જશે.
રવાન્ડા એરના હેડ ઓફ ગ્લોબલ ઓપરેશન્સ મુસોની જીમીએ જણાવ્યું કે ગયા ઓગસ્ટમાં ફરી સેવા શરૂ કરી ત્યારે ટ્રાફિક સારો હતો પરંતુ, હાલ કનેક્ટિંગ ફ્લાઈટ્સ માટે પણ કોવિડ ટેસ્ટના પ્રોટોકોલને લીધે દુબઈ અને ચીન જેવા મુખ્ય રૂટ્સની માગમાં ઘટાડો નોંધાયો છે.
કેન્યા એરવેઝના મેનેજમેન્ટ દ્વારા જણાવાયું કે તે તેના કેટલાંક વિમાનોના લીઝ પેમેન્ટની ચૂકવણીને ફ્લેટ રેટને બદલે વપરાશ આધારિત રેન્ટલમાં ફેરવવા વાટાઘાટો કરી રહી છે. કાર્ગો સર્વિસની માગ વધતાં કેટલાંક પેસેન્જર વિમાનને કાર્ગો વિમાન બનાવાયા હતા. કોવિડને લીધે ઓગસ્ટમાં તેની અર્ધવાર્ષિક ખોટ ૬૭.૩ ટકા વધીને ૧૩૨ મિલિયન ડોલર થઈ હતી. જેને લીધે તેણે વિમાનસેવા બંધ કરવી પડી હતી. નુક્સાન ઘટાડવા એરવેઝ આગામી ત્રણ વર્ષમાં તેના ૪૮૧માંથી ૨૦૭ પાઈલોટને છૂટાં કરશે.