ગાંધીવાદી કુબેન નાયડુ દ. આફ્રિકાની બેન્કોના રજિસ્ટ્રાર નિયુક્ત

Monday 30th May 2016 06:17 EDT
 
 

જ્હોનિસબર્ગ: ચુસ્ત ગાંધીવાદી લોકોમાં સામેલ એક વ્યક્તિની ચોથી પેઢીના કુબેન નાયડુને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા રિઝર્વ બેન્કોના રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કર્યા છે. આગામી વર્ષે નવા કાયદાનું એલાન થાય ત્યાં સુધી આ નિયુક્તિ એક હંગામી પગલું છે, જેનાથી બેન્કો અને ઈન્સ્યોરર્સના નિયમન માટે એક નવી કાનૂની સંસ્થાની સ્થાપના થશે. ૨૦૧૩માં તત્કાલીન ગવર્નર ગિલ માર્ક્સના સલાહકાર બન્યા પછી નાયડુ દક્ષિણ આફ્રિકાના રિઝર્વ બેન્કના ત્રણ ગવર્નરોમાંથી એક તરીકે સેવા આપી રહ્યા છે.

નાયડુ બેન્કની મુદ્રા નીતિ સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. બ્રિટનની ટ્રેઝરીમાં બે વર્ષ સેવા આપવા ઉપરાંત તેમણે દક્ષિણ આફ્રિકા વિકાસ બેન્કમાં પણ કામ કર્યું છે. કુબેન નાયડુ સંઘર્ષની રાજનીતિની પોતાની પારિવારિક પરંપરા વચ્ચે ઉછર્યા છે જેની શરૂઆત તેમના દાદા થામ્બી નાયડુએ કરી હતી. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહ આંદોલનમાં થામ્બી નાયડુ પણ સામેલ હતા.

૧૯૧૪માં જ્યારે ગાંધીજી ભારત આવ્યા ત્યારે ટ્રાન્સવાલ ઈન્ડિયન કોંગ્રેસના સ્થાપક સભ્ય થામ્બી નાયડુએ તેમના ચાર પુત્રોને તેમની સાથે મોકલી દીધાં હતાં, જેમાંથી એકનું ભારતમાં મોત થયું હતું અને ત્રણ પુત્રો દક્ષિણ આફ્રિકાના આઝાદીના જંગમાં સામેલ થવા માટે દેશમાં પરત આવી ગયા હતા. તેમના ત્રણ પુત્રોમાંથી એક પુત્ર દક્ષિણ આફ્રિકાની કમ્યુનિસ્ટ પાર્ટીના અગ્રણી સભ્ય બન્યા હતા. જેમનું નામ નારનસામી ‘રોય’ નાઈડુ હતું. જેમના ઘરે દક્ષિણ આફ્રિકાના મહાન નેતા નેલ્સન મંડેલા અવારનવાર મુલાકાતે આવતા રહેતા હતા.

રોય નાયડુના પુત્ર પ્રેમા જ્હોનિસબર્ગ શહેરના કાઉન્સિલર છે, જેઓ કુબેનના પિતા છે. જ્યારે પ્રેમાની અટકાયત ૧૯૯૧માં ચળવળ દાબી દેવા માટે કરવામાં આવી હતી એ સમયે ૧૦ વર્ષીય કુબેન જ હતા કે જેમણે આ પગલાંનો અગ્રીમ રહીને જોરદાર વિરોધ કર્યો હતો. આ રીતે રંગભેદનો વિરોધ કરનારાઓમાં તેઓ સૌથી નાની વયના વિરોધી બન્યા હતા. તેમની આ વિરોધ પ્રવૃત્તિ ત્યારપછી પણ ચાલતી રહી હતી અને હાઈસ્કુલમાં અભ્યાસ કરતા હતા ત્યારે કુબેનની પણ અટકાયત કરવામાં આવી હતી. આ સંજોગોમાં તેમણે જેલમાં જ રહીને મેટ્રિક્યુલેશનની ફાઈનલ યરની પરીક્ષા આપવી પડી હતી.

નાયડુ સાયન્સના વિષયો સાથે સ્નાતક થયેલા છે તેમજ તેમણે વિટ્સ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન પબ્લિક મેનેજમેન્ટની ઉપાધિ પણ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત તેમણે બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ પણ કર્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter