ન્યૂ યોર્કઃ ભારતીય મૂળના વિખ્યાત ફિલ્મસર્જક મીરાં નાયરના દીકરા ઝોહરાન મામદાની ડેમોક્રેટિક પાર્ટીનું પ્રાઈમરી ઈલેક્શન જીતીને ન્યૂ યોર્ક શહેરના મેયર બનવાની સ્પર્ધામાં છે. તેમણે ત્રણ ટર્મ સુધી ન્યૂયોર્કના ગવર્નર રહી ચૂકેલા ન્યૂયોર્કના જાણીતા નેતા એન્ડ્રુ કુઓમોને પરાજય આપીને ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી મેળવી છે. ઝોહરાન મામદાનીના પિતા મહેમૂદ મામદાની ગુજરાતી મૂળના છે. તેમનો જન્મ ગુજરાતી પરિવારમાં મુંબઈમાં થયો હતો.
ન્યૂયોર્ક શહેરમાં આગામી ચોથી નવેમ્બરે મેયરની ચૂંટણી થવાની છે. અત્યારે શહેર પર ડેમોક્રેટિક પાર્ટીનું જ શાસન છે. 2021માં ડેમોક્રેટિક પાર્ટીના એરિક એડમ્સ મેયર બન્યા હતા. પરંતુ હવે પછીની ટર્મમાં એરિક એડમ્સ અપક્ષ ઉમેદવાર બનવાના હોવાથી ડેમોક્રેટિક પાર્ટીમાં ઉમેદવારી માટે પ્રાઈમરી ઈલેક્શન યોજાયું હતું. એમાં ન્યૂયોર્કના પૂર્વ ગવર્નર એન્ડ્રૂ કુઓમોએ પણ ઝંપલાવ્યું હતું. ત્રણ-ત્રણ વખત ન્યૂયોર્કના ગવર્નર રહેલા એન્ડ્રૂને પ્રાઈમરી ઈલેક્શનમાં હરાવીને ઝોહરાન મામદાનીએ ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી મેળવી છે.
મામદાનીનું યુગાન્ડા કનેક્શન
આ ઝોહરાન મામદાની ભારતીય મૂળના ફિલ્મ સર્જક મીરાં નાયરના દીકરા છે. તેમના પિતા મહેમૂદ મામદાની ગુજરાતી મૂળના છે. મુંબઈ રહેતા ગુજરાતી પરિવારમાં મહેમૂદનો જન્મ થયો હતો. એ પછી તેમનો પરિવાર યુગાન્ડા સ્થાઈ થયો હતો. ત્યાંથી ઈદી અમીને સૌ વિદેશીઓને હાંકી કાઢ્યા ત્યારે તેમનો પરિવાર અમેરિકા સ્થાઈ થયો હતો. 2021થી ડેમોક્રેટિક પાર્ટીમાં કાર્યરત ઝોહરાન મામદાની અત્યારે ૩૩ વર્ષના છે. ઝોહરાન ન્યૂ યોર્ક શહેરના મેયર બનશે તો ઈતિહાસ રચાશે. નવેમ્બરમાં તેમનો સીધો મુકાબલો વર્તમાન મેયર એરિક એડમ્સ અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સિલ્વા સામે થશે.