ગેરકાયદે ઈમિગ્રેશનના વિરોધમાં જોહાનિસબર્ગના માર્ગો પર કૂચ

Tuesday 05th May 2026 13:39 EDT
 
 

જોહાનિસબર્ગઃ મોટા પાયા પરના ગેરકાયદે ઈમિગ્રેશનની સામે વિરોધ કરવા સેંકડો સાઉથ આફ્રિકનોએ 29 એપ્રિલે રાજધાની પ્રીટોરીઆ અને જોહાનિસબર્ગના માર્ગો પર કૂચ કરી હતી. સ્થાનિકો અને માઈગ્રન્ટ્સે લૂંટફાટ અથવા તકવાદી અપરાધો થવાના ભયે દુકાનો બંધ કરી દીધી હતી. ગેરકાયદે ઈમિગ્રેશનના કારણે સ્થાનિક લોકો અને વિદેશી નાગરિકો વચ્ચે તણાવ રહે છે. ઈમિગ્રેશનવિરોધી જૂથોએ ઈમિગ્રેશન કાયદાઓના કડક અમલ અને સામૂહિક દેશનિકાલની માગણી કરી છે.

ઈમિગ્રેશનવિરોધી જૂથ ‘માર્ચ એન્ડ માર્ચ’ દ્વારા આયોજિત દેખાવોમાં ઓપરેશન ડુડુલા સહિતના જૂથો તેમ્જ રાજકીય પક્ષો એક્શનએસએ અને પેટ્રેયોટિક એલાયન્સ પણ જોડાયા હતા. સાઉથ આફ્રિકામાં વણનોંધાયેલા અને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની અંદાજિત સંખ્યા 3થી 5 મિલિયન હોવાનું કહેવાય છે. ઈમિગ્રેશનવિરોધી જૂથોનું કહેવું છે કે 30 ટકાથી વધુ બેરોજગારી ધરાવતા દેશમાં ગેરકાયદે ઈમિગ્રેશનથી શહેરોમાં વધુપડતી વસ્તી, મજૂરોમાં તંગદિલી, ટેક્સની આવકોમાં ઘટાડો, અપરાધો અને સરહદી સુરક્ષાને જોખમ સહિતની સમસ્યાઓ સર્જાય છે.

કેટલીક ઘટનાઓમાં એન્ટિમાઈગ્રેશન જૂથોએ દવાઓની અછત અને ઓવરક્રાઉડિંગના દાવાઓ સાથે પબ્લિક હેલ્થ ફેસિલિટીઝથી વિદેશી નાગરિકોને ભગાડી દીધા હતા.માર્ચ મહિનામાં ઈસ્ટર્ન કેપ પ્રોવિન્સમાં ઈમિગ્રેશન વિરોધી કૂચમાં તોફાનો થતાં મિનિબસ ટેક્સીઓ અને પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સળગાવી દેવાયાં હતાં. ક્વાઝુલુ નાતાલ પ્રાંતમાં ઘાનાના કેટલાક નાગરિકો પર હુમલો કરાયો હતો. સાઉથ આફ્રિકાએ ગત બે નાણાકીય વર્ષોમાં 109,344 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter