લંડન: ઘાના એનર્જી ચેમ્બરે ભેદભાવપૂર્ણ વલણ અને આફ્રિકન વ્યાવસાયિકોની અવગણનાનો આક્ષેપ મૂકી લંડનમાં યોજાનારી આફ્રિકા એનર્જી સમિટમાંથી ખસી જવાનો સત્તાવાર નિર્ણય લીધો છે. એક્ઝિક્યુટિવ ચેરમેન જોશુઆ બી. નારહના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય આંતરરાષ્ટ્રીય સ્તરે આફ્રિકન પ્રતિભાના સન્માન અને સમાનતા માટેની લડત તરીકે જોવામાં આવી રહ્યો છે.
2 એપ્રિલ, 2026ના રોજ જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં ચેમ્બરે જણાવ્યું હતું કે, આ આયોજનમાં આફ્રિકન વ્યાવસાયિકોને નેતૃત્વ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં પદ્ધતિસર રીતે બાકાત રાખવામાં આવે છે. આફ્રિકાના સંસાધનો વિશે ચર્ચા કરતા મંચો પર આફ્રિકન ટેલેન્ટને જ સાઈડલાઈન કરવામાં આવતી હોવાથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
વૈશ્વિક સ્તરે આફ્રિકા તેલ અને ગેસના ઉત્પાદનમાં મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યો છે. રિન્યુએબલ એનર્જી અને કુશળ પ્રોજેક્ટ મેનેજરોની વધતી જતી ફોજ સાથે આફ્રિકા હવે વૈશ્વિક ઉર્જા રણનીતિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય મંચો પર થતી અવગણના સામે આ ખંડના દેશો હવે એકજૂથ થઈ રહ્યા છે.


