ઘાનાની શેફ ફાઈલાએ સૌથી વધુ કલાક રાંધવાનો વિશ્વવિક્રમ તોડ્યો

Tuesday 09th January 2024 12:38 EST
 
 

ટામાલેઃ વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની શેફ ફાઈલા અબ્દુલ- રઝાકે વ્યક્તિગત સૌથી વધુ 119 કલાક રાંધવાનો વિક્રમ તોડી ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ માટે 150 કલાકનો નવો કૂક-એ-થોન વિક્રમ સ્થાપિત કર્યો છે અને હજુ અટકવાનું નામ લીધાં વિના વિક્રમને સતત 240 કલાક એટલે કે 10 જાન્યુઆરીએ 10 દિવસ સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જોકે, ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા આ પ્રયાસ વિશે કોઈ જાહેર ટીપ્પણી કરવામાં આવી નથી.

આઈરિશ શેફ એલન ફિશરનો વિક્રમ 119 કલાક અને 57 મિનિટનો હતો. ફિશરે ગયા વર્ષે જ, નાઈજિરિયન શેફ હિલ્ડા બાસીનો 100 કલાકનો રેકોર્ડ તોડ્યો હતો. ફાઈલાએ કૂકિંગ રેકોર્ડ તોડવા પહેલી જાન્યુઆરીની મધરાતથી કૂકિંગ મેરેથોનની શરૂઆત કરી હતી. ફાઈલા અબ્દુલ- રઝાકે ઘાના અને તેના નાગરિકો વતી આ રાષ્ટ્રીય અભિયાન છેડ્યું હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, 240 કલાક સતત રાંધવાના નિર્ધારના પગલે આરોગ્ય નિષ્ણાતોએ ફાઈલાના મન પર ભારે તણાવ સર્જાવાની ચિંતા વ્યક્ત કરી છે.

શેફ ફાઈલાને નવા વિશ્વવિક્રમ માટે રસોઈ બનાવતી નિહાળવા અને ફૂડને ચાખવા સેલેબ્રટિઝ, રાજકારણીઓ અને સામાન્ય લોકો ટામાલેની હોટલ પર પહોંચી ગયા હતા. નાઈજિરિયાની શેફ હિલ્ડા બાસીએ ગત મે મહિનામાં 100 કલાક રાંધવાનો વિક્રમ બનાવ્યા પછી વેસ્ટ આફ્રિકામાં વિવિધ કેટેગરીઝ માટે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાની હોડ મચી હોવાનું જણાય છે. તાજેતરમાં જ ઘાનાની આફુઆએ સતત 126 કલાક ગાવાનો નવો વિક્રમ બનાવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter