આફ્રિકન દેશ ચાડના ભૂતપૂર્વ સરમુખત્યાર હિસેન હેબ્રેએ ૧૯૮૨થી ૧૯૯૦ના તેમના શાસનકાળમાં દેશવાસીઓ પર અત્યાચાર કર્યા હતા. હવે વિશેષ કોર્ટે તેમને આદેશ આપ્યો છે કે તેઓ અત્યાચાર ભોગવનારા ૪૭૩૩ લોકોમાંથી પ્રત્યેકને બે કરોડ સીએફએ ફ્રેંક (અંદાજે ૨૨.૭૯૮ લાખ રૂપિયા)નું વળતર આપે.
આ કુલ રકમ અંદાજે રૂ. ૧,૦૭૮ કરોડથી વધુ થાય છે. અંદાજે નવ મહિના ચાલેલી સુનાવણી બાદ હિસેન હેબ્રેને ગયા વર્ષે દુષ્કર્મ, હત્યા, યૌન ગુલામી વગેરે માટે દોષિત ઠરાવાયો હતો અને તેને આજીવન કેદની સજા સંભળાવાઈ હતી. વિશેષ કોર્ટ (એક્સ્ટ્રાઓર્ડિનરી આફ્રિકન ચેમ્બર્સ)ના જજ ગબેરદાઓ ગુસ્તાવે કામે વળતર આપવાનો આદેશ શનિવારે આપ્યો હતો.


