એનડીજામેનાઃ સેન્ટ્રલ આફ્રિકન દેશ ચાડના પૂર્વીય ક્ષેત્રમાં પાણીના રમખાણે ગંભીર સ્વરૂપ લઈ લેતા લશ્કરે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. આ પાણીની અથડામણમાં ઓછામાં ઓછાં 42 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અન્ય 10ને ઈજા પહોંચી હતી.
સુદાનની સરહદ નજીક આવેલા વાદી ફિરા પ્રાંતના ઈગોટે ગામમાં પાણીના એક સ્ત્રોતને લઈને બે પરિવારો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ સામાન્ય વિવાદ જોતજોતામાં બદલા અને ખુની સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો. મોટા વિસ્તારમાં હિંસા ફેલાતા લશ્કરે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હસ્તક્ષેપ કર્યો હતો. ચાડના પૂર્વીય પ્રાંતોમાં સુદાનના શરણાર્થીઓના કારણે જળસંસાધનો પર સતત દબાણ વધી રહ્યું છે. સુદાનમાં ચાલી રહેલા યુદ્ધના પરિણામે, લાખો શરણાર્થીઓ ચાડમાં પ્રવેશી રહ્યા છે. સ્થાનિક લોકો અને શરણાર્થીઓ તેમજ ખેડૂતો અને ભરવાડો વચ્ચે ઘાસ અને પાણીને લઈને વારંવાર હિંસક અથડામણો થતી જ રહે છે

