બેજિંગઃ વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ ચીનમાં ગેરકાયદેસર રહેવા બદલ ૨૭ યુગાન્ડાવાસીઓને ચીનમાં ડિટેન્શન ફેસિલીટીઝમાં અટકાયત હેઠળ રખાયા હતા. યુગાન્ડા એમ્બેસીની નીકટના સૂત્રો મુજબ તેમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને સ્વદેશ પાછા ફરવા માગતા પરંતુ, લોકડાઉનના નિયંત્રણોને લીધે મુસાફરી ન કરી શકનારા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. તેમાંના મોટાભાગના લોકોને ઓવરસ્ટે અને ગેરકાયદે એમ્પ્લોયેન્ટના ગુના સંબંધે હેબેઈ અને બેજિંગમાં રખાયા છે.
એમ્બેસીએ આ કેસોમાં ચીનના કાયદા પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ તેમ જણાવીને કહ્યું હતું કે કોવિડ – ૧૯ના નિયંત્રણોને લીધે તેમના દેશનિકાલ/પાછા મોકલવાની કાર્યવાહીને ભારે અસર થઈ હોવાથી તેમને અટકાયત હેઠળ ચાર મહિનાથી વધુ સમય રહેવું પડ્યું છે. દરમિયાન, વિદેશ બાબતોના મંત્રાલયે બેજિંગની તેની એમ્બેસીને અટક હેઠળના લોકોને મુક્ત કરીને સ્વદેશ પાછા મોકલવામાં આવે તે જોવા સૂચના આપી હોવાનું મનાય છે.