જેકબ ઝૂમાની ધરપકડ બાદ દક્ષિણ આફ્રિકામાં ફાટી નીકળેલા તોફાનોમાં:૭૨ના મોત

Wednesday 21st July 2021 02:36 EDT
 
 

જોહાનિસબર્ગઃ  કોર્ટની અવમાનનાને પગલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાને જેલવાસ થયા પછી દેશભરમાં  તોફાનો ફાટી નીકળ્યા હતા. લોકોએ  જોહાનિસબર્ગ, ડર્બન તથા ગાઉતેન્ગ સહિતના શહેરોમાં શોપીંગ સેન્ટરોમાં લૂંટ ચલાવીને આગ ચાંપી હતી. પોલીસ અને લશ્કર સાથેની અથડામણોમાં ૭૨ લોકો માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે તોફાનોની ઉશ્કેરણી કરવા બદલ ૧૨  સહિત કુલ ૧,૨૩૪ લોકોની ધરપકડ કરાઈ હતી. તોફાનોને કડક હાથેે ડામી દેવા માટે લશ્કરના ૨૫,૦૦૦ સૈનિકોને તૈનાત કરી દેવાયા હતા.  દક્ષિણ આફ્રિકાના મુખ્ય વિરોધ પક્ષ ઉપર અશાંતિ સર્જવાનો આક્ષેપ મૂકાયો હતો. પ્રમુખ રામાફોસાએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં જણાવ્યું હતું કે હિંસા, લૂંટફાટ અને અશાંતિનો માર્ગ વધારે અસ્થિરતા, હિંસા અને વિનાશ તરફ લઈ જશે.  આફ્રિકન યુનિયન કમિશનના વડાએ જણાવ્યું હતું કે હિંસા, લૂંટફાટ અને નાગરિકોના મૃત્યુ નિરાશાજનક છે, રામાફોસાએ ઉમેર્યું કે આ તોફાનો  દેશની યુવા લોકશાહી પર સુસંગઠિત અને સુઆયોજિત હુમલો હતો. સરકારે તાકીદે કાયદો અને વ્યવસ્થાની પુનઃસ્થાપના કરવી જોઈશે. દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા વિરોધપક્ષે ડાબેરી ઈકોનોમિક ફ્રીડમ ફાઈટ્રસ અને ઝૂમાના સંતાનો  વિરુદ્ધ કેસ કરવાની જાહેરાત કરી હતી. 
ટીવી દ્રશ્યોમાં લોકો રેડીમેઈડ ગારમેન્ટ્સ, ફ્રોઝન ફૂડના બોક્સ, ફર્નિચર લઈ જતા જોવા દેખાયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ગોળીબાર કરતી હતી. દક્ષિણ આફ્રિકાના સમાજવિજ્ઞાનીના જણાવ્યા અનુસાર દક્ષિણ આફ્રિકામાં આર્થિક બેહાલી ચરમસીમા ઉપર હોવાથી લોકો બેકાર થઈ ગરીબ, બેઘર બની ચૂક્યા હતા. તેથી દેખાવો કરતા લોકો લૂંટફાટ કરવા લાગ્યા હતા.
પોલીસ અને લશ્કરની મદદથી તોફાનોને કાબૂમાં લેવાના પ્રમુખ સીરીલ રામાફોસાના પ્રયાસ નિષ્ફળ ગયા હતા. તોફાનોને કાબૂમાં લેવા માટે પોલીસની મદદમાં લશ્કરના ૨૫૦૦ જવાનો મોકલવામાં આવ્યા હતા. તે પણ ઓછા પડ્યા હતા. ૭૦,૦૦૦થી વધારે સૈનિકો લોકડાઉનનો અમલ કરાવવામાં વ્યસ્ત હોવાથી વધુ સૈનિકો મોકલી શકાય એમ નથી .
સરકારે જણાવ્યું કે મોટાભાગના મૃત્યુ લૂંટફાટ કરતા લોકોની ધક્કામુક્કીના કારણે નીપજ્યા હતાં.લોકો ગોળીબાર અને બ્લાસ્ટના કારણે મૃત્યુ પામ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter