જેકોબ ઝૂમાની ઉમેદવારી પર પ્રતિબંધ

ઝૂમાનો કાર અકસ્માતમાં બચાવ

Tuesday 02nd April 2024 13:44 EDT
 
 

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના ઈલેક્શન કમિશન (IEC) દ્વારા મે મહિનાની 29 તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં 81 વર્ષીય પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાને ઉમેદવારી કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. કમિશને સ્પષ્ટ કારણ આપ્યું નથી પરંતુ, 2021માં કોર્ટની અવમાનના માટે દોષિત ઠરાવાયા પછી 15 મહિનાની જેલની સજા ઝૂમાને ગેરલાયક ઠરાવી શકે છે. બંધારણ અનુસાર 12 મહિનાથી વધુ જેલવાસની સજા કરાઈ હોય તે વ્યક્તિ ચૂંટણીમાં ઉમેદવારી કરી શકતો નથી.

ઝૂમાએ નવી પાર્ટી યુમખોન્ટો વી સિઝ્વે (MK)ને આપેલું સમર્થન શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) પાર્ટી માટે જોખમી બની શકે તેમ છે. ઝૂમાએ 2009થી 2018 સુધી પ્રમુખપદ સંભાળ્યું હતું પરંતુ, ભ્રષ્ટાચારના આક્ષેપોના પગલે રાજીનામું આપવું પડ્યું હતું. ANC એ ઝૂમાને પક્ષમાંથી સસ્પેન્ડ કરેલા છે. જેકોબ ઝૂમાની નવી પાર્ટી MK નું નામ ANCની પૂર્વ મિલિટરી શાખા પરથી રખાયું છે. ANC એ MK પાર્ટીનું રજિસ્ટ્રેશન રદ કરવા ઈલેક્શન કમિશન સમક્ષ માગણી હતી જેને ફગાવી દેવાઈ છે.

ઝૂમાનો કાર અકસ્માતમાં બચાવ

સાઉથ આફ્રિકાના 81 વર્ષીય પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાનો કાર અકસ્માતમાં બચાવ થયો છે. ઝૂમા અને તેમના બોડીગાર્ડ્સને કોઈ ઈજા પહોંચી ન હતી. શરાબી ડ્રાઈવરે 28 માર્ચે ઝૂમાને લઈ જતા સત્તાવાર બખ્તરિયા વાહન સાથે પોતાની કાર અથડાવી દીધી હતી. સાઉથ આફ્રિકન પોલીસે જણાવ્યું હતું કે 51 વર્ષીય ડ્રાઈવરની શરાબના નશામાં તેમજ બેદરકારીપૂર્ણ ડ્રાઈવિંગના ગુનામાં ક્વાઝુલુ નાતાલ પ્રોવિન્સમાંથી ધરપકડ કરાઈ હતી. શકમંદને મંગળવાર બીજી એપ્રિલે કોર્ટમાં હાજર કરવામાં આવનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter